સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટથી ત્રાસીને આર્મીના જવાને જ તેના ચાર કલીગ્સની હત્યા કરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આર્મીનો જવાન દેસાઈ મોહન પંજાબમાં ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતે ૧૨ એપ્રિલે આર્મીના ચાર જવાનની હત્યાના કેસમાં ગયા અઠવાડિયા સુધી એકમાત્ર સાક્ષી હતો. હવે આ સૈનિકોની હત્યા કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સોર્સિસે જણાવ્યું હતું કે મોહને ભટિંડા પોલીસની ઇન્વેસ્ટિગેટિંગ ટીમ અને આર્મી ઑથોરિટીને જણાવ્યું હતું કે તેને સેક્સ્યુઅલી હૅરૅસ કરવામાં આવતો હતો અને ખૂબ જ ઝીણવટભર્યું પ્લાનિંગ કરીને તેણે અપમાનનો બદલો લેવા માટે તેના કલીગ્સને ગોળી મારી હતી. પોલીસે રવિવારે મોહન સહિતના ચાર જવાનોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા.
ADVERTISEMENT
ભટિંડાના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગુલનીત ખુરાનાએ કહ્યું હતું કે તપાસ દરમ્યાન મોહને કહ્યું હતું કે તે વારંવાર હૅરૅસમેન્ટનો ભોગ બનતો હતો.
ચાર સૈનિકો-સાગર બન્ને, કમલેશ આર, સંતોષ નાગરાલ અને યોગેશકુમાર જે ૧૨મી એપ્રિલે ભારે હથિયારોથી સજ્જ સૈનિકોની સુરક્ષા હેઠળના મિલિટરી બેઝના ઑફિસર્સની મેસની પાસે તેમના રૂમમાં સૂતા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ૧૯ ખાલી શેલ્સ મળ્યા હતા. મૃત્યુ પામનારા જવાનો અને આરોપી મેસમાં કલીગ્સ હતા.
ઇન્ડિયન આર્મીના જયપુર સ્થિત સાઉથ વેસ્ટર્ન કમાન્ડરે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે મોહને પોલીસને કબૂલ્યું છે કે નવમી એપ્રિલે સવારે તેણે હથિયાર સાથે ભરેલી મૅગેઝિનની ચોરી કરી હતી અને એ પછી આ રાઇફલને છુપાવી હતી. ૧૨મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ સવારે સાડાચાર વાગ્યાની આસપાસ તે ડ્યુરી પર હતો. તેણે જ્યાં હથિયાર છુપાવ્યું હતું ત્યાંથી તેણે એ મેળવ્યું, પહેલા માળે ગયો, ચારેય જવાનની હત્યા કરી. એ પછી તેણે એ હથિયાર નાળામાં ફેંકી દીધું હતું.
૧૨મી એપ્રિલે કૅન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) અનુસાર મોહને દાવો કર્યો હતો કે તેણે ક્રાઇમ સીનની નજીક વાઇટ કુરતા-પાયજામા અને માસ્ક પહેરનારા બે પુરુષોને જોયા હતા.
૮૦ મીડિયમ રેજિમેન્ટના મેજર આશુતોષ શુક્લાની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોહને માહિતી આપી હતી કે એક હુમલાખોરના હાથમાં ઇન્સાસ (ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ) રાઇફલ હતી, જ્યારે બીજાના હાથમાં કુહાડી હતી.
આ એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે આર્મીના એક યુનિટમાંથી નવમી એપ્રિલે એક ઇન્સાસ રાઇફલ અને ૨૮ કાર્ટિજિસ સાથેની એક મૅગેઝિન મિસિંગ હતી અને આ હુમલામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય શકે છે. આ રાઇફલ અને મૅગેઝિન બાદમાં એ જ દિવસે મળી આવ્યાં હતાં.
પોલીસ અને આર્મીના અધિકારીઓએ ચાર જવાનોની હત્યા બાદ કૅન્ટના દરેક ગેટનાં સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી ત્યારે સ્પષ્ટ થયું હતું કે જવાનોની હત્યા માટે કોઈ પણ બહારની વ્યક્તિ એ સમયે કૅન્ટની અંદર પ્રવેશી નહોતી. બલકે કૅન્ટની અંદર જ હત્યારા હતા.


