આર્મીએ જણાવ્યું કે બુધવારની ગોળીબારની ઘટનાની સાથે એનું કોઈ કનેક્શન નથી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પંજાબના ભટિંડાના મિલિટરી સ્ટેશનમાંથી વધુ એક ટ્રૅજિક ન્યુઝ આવ્યા છે. આર્મીએ ગઈ કાલે જણાવ્યું હતું કે અહીં એક સૈનિકનું મૃત્યુ થયું છે. આ ઘટનાનું બુધવારે આ જ આર્મી બેઝમાં થયેલા ગોળીબારની ઘટનાની સાથે કોઈ કનેક્શન નથી. ગોળીબારમાં ચાર સૈનિકો શહીદ થયા હતા.
આ યંગ સૈનિકે સુસાઇડ કર્યું હોવાનું જણાઈ રહ્યું છે. આર્મીના સોર્સિસ જણાવી રહ્યા છે કે ભટિંડાના આ મિલિટરી સ્ટેશનમાં તે અલગ યુનિટમાં તહેનાત હતો. મીડિયા માટે રિલીઝ કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં આર્મીએ જણાવ્યું હતું કે ‘૧૨ એપ્રિલે બપોરે લગભગ સાડાચાર વાગ્યે ગોળી વાગવાના કારણે એક સૈનિકનું મૃત્યુ થયું હતું. આ સૈનિક તેના સર્વિસ વેપનની સાથે ડ્યુટી પર તહેનાત હતો. આ સૈનિકના મૃતદેહની બાજુમાંથી એ હથિયાર અને એના કાર્ટિજ કેસ મળ્યા હતા. આ સૈનિકને તાત્કાલિક મિલિટરી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઈજાના લીધે તેણે દમ તોડ્યો હતો. આ સૈનિક રજા પરથી આ વર્ષે અગિયારમી એપ્રિલે પાછો ફર્યો હતો. આ સુસાઇડની કોશિશનો કેસ જણાય છે. ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતે સવારે સાડાચાર વાગ્યે બનેલી ઘટનાની સાથે એનું કોઈ કનેક્શન નથી.’
ADVERTISEMENT
આ મિલિટરી સ્ટેશનમાં છેલ્લા ૨૪ કલાકમાં શહીદ થનારો તે પાંચમો જવાન છે. બુધવારે સવારે આ મિલિટરી સ્ટેશનમાં થયેલા ગોળીબારમાં આર્ટિલરી યુનિટના ચાર સૈનિકો શહીદ થયા હતા. ગોળીબાર કરાયો ત્યારે આ જવાનો સૂતા હતા.


