કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી પોલીસ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોવાના કારણે તેમણે ભારત જોડો યાત્રાને રોકવી પડી હતી.

કાઝીગુંદમાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમના સપોર્ટર્સ.
ખાનાબલ (પી.ટી.આઇ.)ઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી પોલીસ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોવાના કારણે તેમણે ભારત જોડો યાત્રાને રોકવી પડી હતી. રાહુલે જમ્મુ પ્રદેશમાં બનિહલથી તેમની યાત્રાની શરૂઆત કરી હતી. તેઓ એક બુલેટપ્રૂફ વેહિકલમાં જવાહર ટનલ ક્રૉસ કરીને કાઝીગુંદ, કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. જોકે એ પછી તેઓ માંડ ૫૦૦ મીટર જ ચાલી શક્યા હતા. રાહુલને આવકારવા માટે ખૂબ જ ભીડ એકઠી થઈ હતી, જેને મૅનેજ કરવા માટે પોલીસના જવાનો ગાયબ થઈ ગયા હોવાના કારણે રાહુલની સિક્યૉરિટી ટીમે ભારત જોડો યાત્રા પર આગળ ન વધવા કહ્યું હતું. કૉન્ગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ અગિયાર કિલોમીટર ચાલીને વેસ્સુ જવાના હતા. મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સિક્યૉરિટી પૂરી પાડવાની જવાબદારી જમ્મુ-કાશ્મીર ઍડ્મિનિસ્ટ્રેશનની છે. મને આશા છે કે આ યાત્રાના બાકી દિવસોએ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે એની ખાતરી રાખવામાં આવશે. મને ખબર નથી કે શા માટે આમ થયું, પરંતુ હવે પછી એમ ન બનવું જોઈએ.’ જોકે, પોલીસે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો આવશે એના વિશે આયોજકોએ નહોતું જણાવ્યું.