આઇફોન 17 સિરીઝે બૅટરી અને કૅમેરા અપગ્રેડ સાથે બધાનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે ઍપલ વૉચમાં આરોગ્ય અને ફિટનેસ મૉનિટરિંગ સુવિધાઓ આપવામાં આવી છે.
ઍપલે આઇફોન 17 સિરીઝ, ઍરપૉડ્સ અને નવી ઍપલ વૉચની સિરીઝ લૉન્ચ કરી
દર સપ્ટેમ્બર મહિનામાં ઍપલનો કયો નવો ફોન આવશે એની ઇન્તેજારી રહેતી હોય છે. એ રાહ ૯ સપ્ટેમ્બરે પૂરી થઈ. ઍપલે આઇફોન 17 સિરીઝ, ઍરપૉડ્સ અને નવી ઍપલ વૉચની સિરીઝ લૉન્ચ કરી હતી. આ બધાં ગૅજેટ્સ ૧૯ સપ્ટેમ્બરથી ભારત સહિત પચાસથી વધુ દેશોમાં ઉપલબ્ધ થશે. આ વર્ષે કંપનીએ સ્માર્ટફોનથી લઈને ઘડિયાળો અને ઑડિયો સિરીઝમાં ઘણી નવીનતાઓ રજૂ કરી છે. આઇફોન 17 સિરીઝે બૅટરી અને કૅમેરા અપગ્રેડ સાથે બધાનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે ઍપલ વૉચમાં આરોગ્ય અને ફિટનેસ મૉનિટરિંગ સુવિધાઓ આપવામાં આવી છે.
સૌથી પાતળો ફોન iPhone Air
ADVERTISEMENT
ઍપલે માત્ર ૫.૬ મિલીમીટરનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન લૉન્ચ કર્યો છે. એમાં ૬.૫ ઇંચનું ડિસ્પ્લે છે. પાતળો હોવાની સાથે એમાં ૪૮ મેગા પિક્સેલ રિઅર કૅમેરા અને ૧૮ મેગા પિક્સેલ ફ્રન્ટ કૅમેરા છે અને બૅટરીલાઇફ એટલી સારી છે કે સળંગ ૨૭ કલાક સુધી વિડિયો જોઈ શકાશે.
સૌથી પાતળી ઍપલ વૉચ
આ વૉચ ૨૪ કલાકની બૅટરી ધરાવે છે. આ વૉચ ફિફ્થ જનરેશન ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપરાંત, બ્લડ ઑક્સિજન લેવલ, હૃદયનો ઇકો-કાર્ડિયોગ્રામ (ECG) અને બ્લડ-પ્રેશર વધી જાય તો અલર્ટ આપવાનું ફીચર પણ ધરાવે છે. આ વૉચને રીસાઇકલ કરેલી કોબાલ્ટની બૅટરીઓ અને ફાઇબરના પૅકેજિંગ સાથે લૉન્ચ કરીને એને ઇકો-ફ્રેન્ડ્લી કૅટેગરીમાં મૂકી છે.
હવે ઍરપૉડ્સ હાર્ટ-હેલ્થ માપશે
ઍપલના ઍરપૉડ્સ Pro 3માં ઑડિયો ક્વૉલિટી અને નૉઇસ કૅન્સલેશન ફીચર ઉપરાંત હાર્ટ-રેટ મૉનિટરિંગનું ફીચર પણ છે. એમાં ખૂબ નાનાં હાર્ટ-સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે જે મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં વર્કઆઉટ કરતા હો ત્યારે હૃદયનું પણ મૉનિટરિંગ કરશે. આમાં ઑટો ટ્રાન્સલેશન ફીચર પણ છે જે ફ્રેન્ચ, જર્મન, પોર્ટુગીઝ, સ્પૅનિશ અને ઇંગ્લિશ ભાષાની સ્પીચનું આપમેળે ટ્રાન્સલેશન કરીને ઑડિયો તૈયાર કરી શકે છે.
પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને ડિલિવરી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે.
કિંમત શું છે?
- આઇફોન 17 (256 GB) : ૮૨,૯૦૦ રૂપિયા
- આઇફોન 17 Air (256 GB): ૧,૧૯,૯૦૦ રૂપિયા
- આઇફોન 17 Pro (256 GB): ૧,૩૪,૯૦૦ રૂપિયા
- આઇફોન 17 Pro Max (256 GB) : ૧,૪૯,૯૦૦ રૂપિયા / (2TB વેરિઅન્ટ) : ૨,૨૯,૯૦૦ રૂપિયા
- ઍપલ વૉચ 11 : ૪૬,૯૦૦ રૂપિયાથી શરૂ
- ઍપલ વૉચ SE 3 : ૨૫,૯૦૦ રૂપિયાથી શરૂ
- ઍરપૉડ્સ Pro 3 : ૨૫,૯૦૦ રૂપિયાથી શરૂ


