બાબા બાલકનાથનો સંકેત, હું મુખ્ય પ્રધાન બનવાની રેસમાં નથી
પ્રતીકાત્મક તસવીર
ભોપાલ : હાલમાં યોજાયેલી મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવી છે ત્યારે હવે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કોણ બનશે તેનો નિર્ણય સોમવારે થઈ શકે છે. આ જ હાલ રાજસ્થાનમાં પણ છે, ત્યાં પણ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત સોમવારે થવાની શક્યતા છે.
સોમવારે બીજેપીના નિરીક્ષકોની પાર્ટીના ધારાસભ્યો સાથેની મુલાકાત બાદ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનનું નામ સામે આવી શકે છે. અહીં નોંધનીય છે કે મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૨૩૦માંથી ૧૬૩ બેઠકો જીતી લીધી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ, બીજેપીના નિરીક્ષકોની ધારાસભ્યો સાથેની મુલાકાત સોમવારે પાંચથી સાત વાગ્યા દરમિયાન યોજાઈ શકે છે.
બાબા બાલકનાથ આઉટ?
સોશિયલ મીડિયામાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી તરીકે બાબા બાલકનાથનું નામ ભારે ચર્ચામાં આવ્યું હતું. હવે બાબા બાલકનાથે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે, પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ પહેલીવાર સાંસદ અને ધારાસભ્ય બનાવીને રાષ્ટ્રસેવાની તક આપી. ચૂંટણી પરિણામ આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા પર ધ્યાન આપશો નહીં. મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ પ્રાપ્ત કરવાનો છે. અહીં નોંધનીય છે કે બાબા બાલકનાથ વર્ષ ૨૦૧૯માં ભાજપની ટિકિટ પર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.


