Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > EPFOમાં મિનિમમ બૅલૅન્સની જરૂરિયાત ૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી ખાતેદારો વધારે રકમ ઉપાડી શકશે

EPFOમાં મિનિમમ બૅલૅન્સની જરૂરિયાત ૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી ખાતેદારો વધારે રકમ ઉપાડી શકશે

Published : 20 November, 2026 07:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણી સંસ્થાઓએ માગણી કરી હતી કે લઘુતમ પેન્શન વધારીને ૭૫૦૦ રૂપિયા કરવામાં આવે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO) બોર્ડે PF ધારકોને એક મોટી રાહત આપતાં PF ખાતામાં ૨૫ ટકાના બદલે હવે ૧૦ ટકા મિનિમમ બૅલૅન્સ રાખવાની મંજૂરી આપી છે. આના પગલે PF ખાતામાં ૧૦ લાખ રૂપિયા હોય તો ખાતેદાર ૯ લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે અને ખાતામાં એક લાખ રૂપિયાનું બૅલૅન્સ રાખી શકશે. અગાઉ ૨.૫ લાખ રૂપિયા રાખવાની મર્યાદા હતી. કર્મચારીઓ હવે તેમના ખાતામાંથી ૯૦ ટકા રકમ ઉપાડી શકશે. બાકીના ૧૦ ટકા રકમ તેમના PF ખાતામાં જમા રહેશે.

આ ઉપરાંત રિટાયરમેન્ટ બાદ ખાતેદાર હપ્તાઓમાં ધીમે-ધીમે પોતાના PF ખાતામાંથી રકમ કાઢી શકશે. આના કારણે ખાતેદાર માટે જરૂર પડ્યે વધુ ભંડોળ ઉપલબ્ધ રહેશે અને તે PF ખાતામાં રહેલા નાણાં પર વધારે વ્યાજ મેળવતો રહેશે. 



એમ્પ્લૉઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ લઘુતમ માસિક પેન્શન ૧૦૦૦ રૂપિયા છે. એને વધારીને ૩૦૦૦ કરવાની શક્યતા હતી, જેનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઘણી સંસ્થાઓએ માગણી કરી હતી કે લઘુતમ પેન્શન વધારીને ૭૫૦૦ રૂપિયા કરવામાં આવે. 

સરકારે PUC સર્ટિફિકેટના નિયમોમાં ફેરફાર કર્યો જૂનાં BS-VI વાહનોએ દર ૬ મહિને PUC સર્ટિફિકેટ મેળવવું પડશે

સરકારે ભારત સ્ટાન્ડર્ડ (BS) BS-VI માપદંડોનું પાલન કરતાં કેટલાંક વાહનો માટે પૉલ્યુશન અંડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટના રિન્યુઅલ વચ્ચેનો સમયગાળો વધાર્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય દ્વારા ૧૩ નવેમ્બરે જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ BS-VI માપદંડોનું પાલન કરતાં અને ૬ વર્ષ સુધીનાં જૂનાં પ્રાઇવેટ વાહનો માટે દર ત્રણ વર્ષે એક વાર PUC પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે, જ્યારે ૬ વર્ષથી વધુ પરંતુ ૧૦ વર્ષ સુધીનાં જૂનાં વાહનો માટે દર વર્ષે એનું રિન્યુઅલ કરાવવું પડશે. ૧૦ વર્ષથી વધુ જૂનાં BS-VI પ્રાઇવેટ વાહનોએ દર ૬ મહિને રિન્યુઅલ કરાવવું પડશે? બીજી તરફ BS-VI માપદંડોનું પાલન કરતાં ૬ વર્ષ સુધીનાં જૂનાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે દર બે વર્ષે એક વાર રિન્યુઅલ કરાવવું જરૂરી રહેશે, જ્યારે ૬ વર્ષથી વધુ પરંતુ ૧૦ વર્ષ સુધીનાં જૂનાં વાહનો માટે દર વર્ષે રિન્યુઅલ કરાવવું પડશે. ૧૦ વર્ષથી વધુ જૂનાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ માટે દર ૬ મહિને રિન્યુઅલ કરાવવાની જરૂરિયાત યથાવત‍્ રહેશે. BS-I, BS-II અને BS-III વાહનોનું PUC સર્ટિફિકેટ ૩ મહિના વૅલિડ રહેશે; જ્યારે BS-IV વાહનોને ૬ મહિના માટેનું PUC સર્ટિફિકેટ મળશે.

અલાસ્કામાં આગામી ૬૫ દિવસ સૂર્ય નહીં દેખાય

નોર્થ અમેરિકાના અલાસ્કામાં આવેલા ઉત્કિયાગ્વિકના રહેવાસીઓ માટે ૧૮ નવેમ્બરનો સૂર્યાસ્ત ૨૦૨૬ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત હતો, કારણ કે આ શહેરમાં હવે પોલર નાઇટ શરૂ થઈ છે અને આ શહેરના રહેવાસીઓ હવે સીધા ૨૦૨૭માં ૨૩ જાન્યુઆરીએ સૂર્યોદયનાં દર્શન કરી શકશે. પોલર નાઈટના લગભગ ૬૫ દિવસ સુધી તેમને સૂર્યદેવ જોવા નહીં મળે. પૃથ્વીની ધરી નમેલી હોવાના કારણે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે અને એમાં સૂર્ય ક્ષિતિજની નીચે રહે છે, જોકે દિવસ દરમ્યાન રહેવાસીઓ થોડા કલાકો માટે સંધ્યાકાળ જેવો પ્રકાશ અનુભવી શકે છે. આ સિવાય તેઓ નૉર્ધર્ન લાઇટ્સ પણ જોઈ શકશે. આ સિવાય નોર્વેના કેટલાક વિસ્તારોમાં પણ ત્રણથી ૪ મહિના સુધી લાંબી રાત રહે છે.

પંજાબમાં ૨૦૧૬માં બાંધવામાં આવેલો લોખંડનો પુલ ધરાશયી

પંજાબમાં પટિયાલા-સંગરુર બાયપાસની ભાખરા નહેર પર ૨૦૧૬માં બાંધવામાં આવેલો લોખંડનો પુલ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે ધરાશાયી થયો હતો. આ ઘટના બની ત્યારે એના પરથી બે ટ્રકો પસાર થતી હતી અને બેઉ ફસાઈ હતી. એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ટ્રકમાં રહેલા ચારથી પાંચ જણ ફસાયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુઝાવી દીધી હતી. આ પુલનું નિર્માણ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું. અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ પુલ પરથી પસાર થયેલા એક ટ્રક-ડ્રાઇવરે જણાવ્યું હતું કે પુલ ધ્રૂજી રહ્યો હતો.

અકવાનના સામના માટે સજ્જ

વાવાઝોડા `અકવાન`ના આતંકને પગલે ગઈ કાલે ઓડિશાના પુરીના દરિયાકિનારે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉર્ન્સ ફોર્સ દ્વારા સુરક્ષાનાં પગલાંઓની તૈયારીનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ બીચ પરની બધી દુકાનો પર પૉલિથિન શીટ‍્સ બાંધી દેવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 07:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK