તેના ધારાસભ્યોનો શપથ લેવાથી સાફ ઇનકાર
અકબરુદ્દીન ઓવૈસી પ્રો-ટેમ સ્પીકર બનતાં બીજેપી ભડકી
હૈદરાબાદ : તેલંગણ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયા બાદ રાજભવનમાં અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગણ વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે શપથ લીધા. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે એઆઇએમઆઇએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને તેલંગણ વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર બનાવાયા છે એનો અમે વિરોધ કરીશું. વરિષ્ઠ ધારાસભ્યની જગ્યાએ અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે જે નિયમો અને વિધાનસભાની પરંપરા વિરુદ્ધ છે. અમારી પાર્ટીના ધારાસભ્યો જ્યારે નિયમિત સ્પીકર આવશે એ પછી જ શપથ લેશે. તેલંગણમાં બીજેપીના તમામ ૮ ધારાસભ્યોએ ગૃહમાં પદના શપથ લીધા નહોતા. આ તમામ ધારાસભ્યો અકબરુદ્દીન ઓવૈસીને પ્રો-ટેમ સ્પીકર બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા. તેલંગણ બીજેપીના ચીફ જી. કિશન રેડ્ડીએ એવું પણ કહ્યું કે ‘અમે રાજ્યમાં ૮ સીટો જીતી છે અને અમને ૧૪ ટકા વોટ મળ્યા છે, જે અભૂતપૂર્વ છે. અકબરુદ્દીન ઓવૈસીને પ્રો-ટેમ સ્પીકર બનાવવા પર તેમણે એવું પણ કહ્યું કે આ વરિષ્ઠ ધારાસભ્યોનું અપમાન છે. અમે રાજ્યપાલ સમક્ષ આ વિશે રજૂઆત કરીશું.’


