લંડનથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પાંચ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર્સ બીમાર પડ્યા; મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી મેડિકલ ટીમે કરી સારવાર; ફૂડ પોઇઝનિંગની શંકા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લંડન (London)થી મુંબઈ (Mumbai) આવી રહેલી એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં અચાનક કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની તબિયત બગડવા લાગતા ફરી ટેન્શનનો માહોલ સર્જાયો હતો. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ઉતરાણ કર્યા પછી, બધાને મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા, ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થયો.
એર ઇન્ડિયાની ફ્લાઈટ 130 લંડનના હીથ્રો એરપોર્ટ (Heathrow airport)થી મુંબઈ આવી રહી હતી. ફ્લાઈટ દરમિયાન, પાંચ મુસાફરો અને બે ક્રૂ મેમ્બરની તબિયત બગડી ગઈ. બધાને અચાનક ચક્કર આવવા લાગ્યા અને ઉબકા આવવા લાગ્યા. ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી, જ્યાં મેડિકલ ટીમ પહેલાથી જ તૈયાર હતી. ઉતરાણ પછી પણ બે મુસાફરો અને બે ક્રૂ સભ્યોની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. તેથી તેમને મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તે બધાની સારવાર કરવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ પણ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.
ADVERTISEMENT
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ફ્લાઇટ મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂકી છે. અમારી મેડિકલ ટીમે મુસાફરો અને ક્રૂ સભ્યોને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. ઉતરાણ પછી પણ, બે મુસાફરો અને બે ક્રૂ સભ્યો અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમને મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.’
આ ઘટનાનું કારણ તપાસ હેઠળ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, કેબિન ડિપ્રેસરાઇઝેશન સમાન લક્ષણોનું કારણ બની શકે છે. પરંતુ આ કિસ્સામાં, ફૂડ પોઇઝનિંગ સૌથી સંભવિત કારણ લાગે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ડિપ્રેસરાઇઝેશનને કારણે ઓક્સિજનનું સ્તર વધઘટ થઈ શકે છે, જેના કારણે ઓક્સિજન માસ્ક પડી જશે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં આવું બન્યું ન હતું, જેમાં ફૂડ પોઇઝનિંગને તકલીફનું કારણ ગણાવવામાં આવ્યું હતું. અનેક મુસાફરોને થયેલી બીમારીથી પાઇલટ્સને કોઈ અસર થઈ ન હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, મુસાફરોને ભોજન પીરસ્યા પછી પાઇલટ્સને ભોજન મળે છે.
એર ઇન્ડિયાએ એમ પણ કહ્યું કે, તેણે આ ઘટનાની જાણ ઉડ્ડયન સલામતી નિયમનકાર (Aviation Safety Regulator), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation)ને કરી છે.
નોંધનીય છે કે, આ ઘટના પહેલા, એર ઇન્ડિયાની ફ્લાઈટ IX2564 દિલ્હી (Delhi)થી જમ્મુ (Jammu) જઈ રહી હતી, ત્યારે શંકાસ્પદ GPS સિગ્નલ હસ્તક્ષેપ બાદ વિમાનને દિલ્હી પાછું વાળવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘ફ્લાઈટને ફરીથી દિલ્હીમાં લેન્ડ કરવામાં આવી હતી અને બાદમાં મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા જમ્મુ મોકલવામાં આવ્યા હતા.’


