આતંકવાદી આક્રમણની તસવીરો જોઈને ભારતીયોનું લોહી ઊકળી રહ્યું છે એની મને અનુભૂતિ છે, પણ... : મન કી બાતમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ કરી કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે
નરેન્દ્ર મોદી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગયા અઠવાડિયે બિહારના મધુબનીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક ભાષામાં ટેરરિઝમ અને ટેરરિસ્ટોનો ખાતમો બોલાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. પોતાના હિન્દી ભાષણમાં છેલ્લે અંગ્રેજી ભાષામાં બોલીને નરેન્દ્ર મોદીએ આખા જગતને પણ એ સંદેશ આપ્યો હતો કે આ બાબતમાં ભારતનો સંકલ્પ કેટલો દૃઢ છે. હવે વડા પ્રધાને ‘મન કી બાત’માં પણ કાશ્મીરની શાંતિ અને પ્રગતિને ડહોળવાની કોશિશ કરતી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ગઈ કાલે ‘મન કી બાત’ની શરૂઆત નરેન્દ્ર મોદીએ પહલગામના આ હિચકારા બનાવના સંદર્ભમાં જ કરી હતી. તેઓ શું બોલ્યા એ તેમના જ શબ્દોમાં વાંચીએ...
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય; પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે જેમણે આ આક્રમણમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી આતંકવાદી આક્રમણની છબિઓને જોઈને ઊકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ આતંકવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. સ્કૂલો-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણકાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદીઓ અને આતંકવાદીઓના આકાઋ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, ૧૪૦ કરોડ ભારતીયોનો સંપ આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે.
ADVERTISEMENT
આજે દુનિયા જોઈ રહી છે કે આ આતંકવાદી આક્રમણ પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે.
સાથીઓ, ભારતના આપણા લોકોમાં જે આક્રોશ છે એ આક્રોશ સમગ્ર દુનિયામાં છે. આ આતંકવાદી આક્રમણ પછી લગાતાર દુનિયાભરમાંથી સંવેદનાઓ આવી રહી છે. મને પણ વૈશ્વિક નેતાઓએ ફોન કર્યા છે, પત્રો લખ્યા છે, સંદેશાઓ મોકલ્યા છે. આ જઘન્ય રીતે કરાયેલા આતંકવાદી આક્રમણની બધાએ કઠોર નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વ આતંકવાદની વિરુદ્ધ આપણી લડાઈમાં ૧૪૦ કરોડ ભારતીયોની સાથે ઊભું છે. હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ આક્રમણના દોષીઓ અને ષડયંત્ર રચનારાઓને કઠોરતમ ઉત્તર આપવામાં આવશે.

