Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આરપારના યુદ્ધની માગણીઓ તો કરો છો, પણ જો યુદ્ધ થાય તો એક નાગરિક તરીકે આપણું યોગદાન શું હોવું જોઈએ?

આરપારના યુદ્ધની માગણીઓ તો કરો છો, પણ જો યુદ્ધ થાય તો એક નાગરિક તરીકે આપણું યોગદાન શું હોવું જોઈએ?

Published : 02 May, 2025 09:08 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રની સુરક્ષા અને સમૃદ્ધિ માટે દરેક નાગરિકનો સહયોગ એટલો જ મહત્ત્વપૂર્ણ બની જતો હોય છે, જેટલું મહત્ત્વ મોરચે લડતા સૈનિકોનું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

વિશેષ લેખ

પ્રતીકાત્મક તસવીર


પહલગામ હુમલા બાદ લગભગ તમામ લોકો પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. દરેકના મોઢે એક જ વાત છે કે ભારતે હવે આરપારની લડાઈ લડીને પાકિસ્તાનની અવળચંડાઈ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. કદાચ આ પહેલી વખત થયું છે કે ભારત દેશનાં વિપક્ષી દળોના મોટા ભાગના નેતાઓએ અને ખાસ કરીને મુસ્લિમ નેતાઓએ ધર્મના નામે થયેલા આ આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને કેન્દ્ર સરકારને પાકિસ્તાન સામે જે પણ કડક પગલાંઓ ભરવાં હોય એમાં પૂર્ણપણે સાથ અને સમર્થન આપવાની વાત કહી છે. આપણે ભલે આવેશમાં આવીને આરપારના યુદ્ધની માગણીઓ કરીએ છીએ, પણ એક વાત દરેકે સમજી લેવી જોઈએ કે યુદ્ધ માત્ર સરહદ પર લડાતું નથી; એ સમગ્ર રાષ્ટ્રના આર્થિક અને સામાજિક તંત્ર માટે ચિંતાનો વિષય બની જાય છે. આવામાં રાષ્ટ્રની સુરક્ષા અને સમૃદ્ધિ માટે દરેક નાગરિકનો સહયોગ એટલો જ મહત્ત્વપૂર્ણ બની જતો હોય છે, જેટલું મહત્ત્વ મોરચે લડતા સૈનિકોનું હોય છે.

હાલ ભારત અને પાકિસ્તાનના શાસકો વચ્ચે તનાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અધૂરામાં પૂરું હોય એમ LoC પર બન્ને દેશો દ્વારા જોરદાર ગોળીબાર ચાલુ થઈ ગયો છે. આવા સંજોગોમાં જો બન્ને દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો રાષ્ટ્રના એક સજાગ અને જવાબદાર નાગરિક તરીકે આપણે આપણું યોગદાન કેવી રીતે આપી શકીએ એ વિશે મનન કરવું આવશ્યક બને છે.



સ્વયંસેવી રાષ્ટ્રીય સંસ્થાઓ અને સ્થાનીય પ્રશાસનને મદદરૂપ થવું


પ્રથમ તબક્કે જો તાત્કાલિક જરૂર પડે તો આપણે આપણી શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓ મુજબ સ્વયંસેવી રાષ્ટ્રીય સેવામાં જોડાઈ જવું જોઈએ; જેમાં વિશેષ કરીને સ્થાનીય પ્રશાસનને મદદરૂપ થવાનું હોય છે. આ સેવા આરોગ્ય વિષયક હોઈ શકે, આ સેવા સ્થાનિક પોલીસ/સરકારી તંત્રને સહાય કરવાની હોઈ શકે, આ સેવા યુદ્ધને કારણે બાધિત થયેલા લોકોને આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ થવાની પણ હોઈ શકે.

સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ પર રોક લગાવવી


અહીં શારીરિક યોગદાનની સાથે-સાથે બૌદ્ધિક યોગદાન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. સોશ્યલ મીડિયાના આ યુગમાં ખોટા સમાચારો અને અફવાઓ પણ દુશ્મનનાં એક હથિયાર જ ગણાય. આવામાં એક જવાબદાર નાગરિક તરીકે આપણે સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજો, ફોટો, વિડિયો વગેરેની સત્યતાને ચકાસ્યા વિના આગળ ફૉર્વર્ડ ન કરવાં જોઈએ. સામા પક્ષે જે લોકો આવી અફવાઓ ફૉર્વર્ડ કરતા હોય તેમને અટકાવવા જોઈએ, જેથી યુદ્ધ બાબતે અસમંજસની સ્થિતિ ઊભી ન થાય.

દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય માટે રાષ્ટ્રહિતમાં આર્થિક યોગદાન આપવું

કહેવાય છે કે એક યુદ્ધ દેશને દસ વર્ષ પાછળ ધકેલી દે છે. એ તો બધાને ખબર જ છે કે યુદ્ધના સમયમાં દેશના અર્થતંત્ર પર ભારે બોજો આવતો હોય છે. આવી સ્થિતિમાં દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણું અર્થતંત્ર ખોરવાઈ ન જાય, એ માટે આપણી આવક અને બચત મુજબ રાષ્ટ્રરક્ષાના ફન્ડમાં યથાશક્તિ યોગદાન આપવું. સાથે-સાથે બીજા નાગરિકોને પણ પ્રોત્સાહન આપવું કે તેઓ રાષ્ટ્રહિતમાં યથાશક્તિ આર્થિક યોગદાન આપવા માટે આગળ આવે. એ ઉપરાંત યુદ્ધની સ્થિતિમાં વિસ્થાપિતો અને જરૂરિયાતમંદો માટે અનાજ, દવાઓ અને જીવનજરૂરિયાતી સામગ્રીઓ એકત્રિત કરવા અને વહેંચવા માટે પણ સંકલિત પ્રયાસોનો ભાગ બની શકાય છે.

નાગરિકોને સજાગ રાખવા, તેમનું મનોબળ ઊંચું રાખવું, તેમની સાથે પરસ્પર સંકલન સાધવું

યુદ્ધના સમયે જાહેર જનતામાં ભય અને ગેરસમજનું વલણ જોવા મળતું હોય છે. એવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પોતાના કુટુંબની અગ્રણી હોય, પોતાના પરિસરની અગ્રણી હોય, પોતાના સમાજની અગ્રણી હોય, કોઈ સંસ્થાની અગ્રણી હોય તેમની જવાબદારીઓ અનેકગણી વધી જાય છે. આ અગ્રણીઓએ લોકોનું મનોબળ ઊંચું રાખી શકે એવી પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ; જેમ કે આત્મવિશ્વાસભર્યા સંદેશવ્યવહાર, પરસ્પર સહકારની ભાવના ઉજાગર કરતા સંવાદો, રાષ્ટ્રહિતમાં કેવી રીતે યોગદાન આપી શકાય એવા સેમિનારો આયોજિત કરીને યુદ્ધની સ્થિતિમાં પણ શાંતિપૂર્ણ માહોલ ઊભો કરી શકાય. યુદ્ધની સ્થિતિમાં રાષ્ટ્રના નાગરિકોને સજાગ રાખવા, તેમનું મનોબળ ઊંચું રાખવું, તેમની સાથે પરસ્પર સંકલન સાધીને રાષ્ટ્રહિતમાં મદદરૂપ થાય એવા વધુમાં વધુ લોકોને તૈયાર કરવા... આ બધી બાબતો અતિમહત્ત્વપૂર્ણ બની જાય છે.

રાષ્ટ્રસેવા એક નાગરિક ધર્મ

અહીં એક વાત દરેકે સમજી લેવી જોઈએ કે રાષ્ટ્રપ્રેમ માત્ર સોશ્યલ મીડિયા પૂરતો સીમિત ન રહેવો જોઈએ. જરૂરિયાત સમયે રાષ્ટ્રની પડખે ઊભા રહીને પોતાની ક્ષમતા અને સધ્ધરતા મુજબ કાર્ય કરીને રાષ્ટ્રપ્રેમ સિદ્ધ કરવો જોઈએ. આજનો યુગ સામૂહિક જવાબદારીનો યુગ છે. દેશને યુદ્ધ લડતા સૈનિકોની તો જરૂર છે જ, સાથે-સાથે દૃઢ મનોબળ ધરાવતા જવાબદાર નાગરિકોની પણ તાતી જરૂર છે. યુદ્ધ થાય કે ન થાય, આપણાં દરેક કાર્યો રાષ્ટ્રના હિત માટે સમર્પિત રહે એ સંકલ્પ કરવો જરૂરી છે.

તો આવો સાથે મળીને શપથ લઈએ કે જો યુદ્ધ થાય તો યુદ્ધ દરમ્યાન કે યુદ્ધ પછીના કાળમાં દેશની જરૂરિયાત મુજબ હું મારી પ્રતિભાથી, તન, મન, ધનથી સક્રિય સહભાગ આપીશ અને રાષ્ટ્રના પુનર્નિર્માણમાં હું મારું સો ટકા યોગદાન આપીશ.

વન્દે માતરમ્.

રાજી રહેજો.

-રાજેશ ચાવડા

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 09:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK