Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાનની ઑફિસનું સરનામું હવે સેવા તીર્થ

વડા પ્રધાનની ઑફિસનું સરનામું હવે સેવા તીર્થ

Published : 14 February, 2026 11:19 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી ઑફિસ પર દેવનાગરીમાં લખાયું છે ‘નાગરિક દેવો ભવ’: નવી ઑફિસમાં પહેલા જ દિવસે નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને મહિલાઓ માટે મોટા નિર્ણય લીધા

નવી ઑફિસમાં નરેન્દ્ર મોદીએ ગણેશજીની પૂજા કરીને પછી કામની શરૂઆત કરી હતી

નવી ઑફિસમાં નરેન્દ્ર મોદીએ ગણેશજીની પૂજા કરીને પછી કામની શરૂઆત કરી હતી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમની નવી ઑફિસ ‘સેવા તીર્થ’ સંકુલનો હવાલો સંભાળ્યો હતો. આ સંકુલમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO), કૅબિનેટ સચિવાલય અને નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ સેક્રેટરિયેટ ધરાવે છે. સેવા તીર્થનું નામ એની દીવાલ પર દેવનાગરી ભાષામાં લખાયેલું છે અને નીચે ‘નાગરિક દેવો ભવ’ મંત્ર લખાયેલો છે, જે નાગરિક-કેન્દ્રિત શાસનની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

હવે વડા પ્રધાનની ઑફિસ રાયસીના હિલ્સમાં આવેલા સાઉથ બ્લૉકમાંથી સેવા તીર્થમાં ટ્રાન્સફર થઈ છે. ૧૩ ફેબ્રુઆરીનો દિવસ પણ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે ૧૯૩૧ની ૧૩ ફેબ્રુઆરીએ નવી દિલ્હીનું ઔપચારિક રીતે આધુનિક ભારતની રાજધાની તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમ  ૯૫ વર્ષ બાદ વડા પ્રધાનની ઑફિસનું ઍડ્રેસ પણ બદલાયું છે.



વડા પ્રધાન સેવા તીર્થ સંકુલ પહોંચ્યા હતા અને ‘સેવા તીર્થ’ અને ‘કર્તવ્ય ભવન’ ૧ અને ૨નું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાને પરિસરમાં સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમાને માળા અર્પણ કરી હતી. આ પ્રસંગે નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ, PMOના રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહ અને PMOના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. કર્તવ્ય ભવનમાં નાણાં મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત અનેક મંત્રાલયોની ઑફિસો આવેલી છે.


વડા પ્રધાનના કાર્યાલયનું સેવા તીર્થમાં સ્થળાંતર કરવાનો હેતુ વડા પ્રધાનની અવરજવરને સરળ બનાવવાનો અને જનતા માટે ટ્રાફિક જૅમને દૂર કરવાનો છે. આ સંકુલ વિજય ચોક પાસે આવેલું છે. આ સ્થળાંતર આધુનિક ભારતની જરૂરિયાતોને પૂરી કરવા અને એકવીસમી સદીને અનુરૂપ એક સીમલેસ અને સંકલિત કાર્યસ્થળ પૂરું પાડવા માટે રચાયેલું છે.

નવી ઑફિસમાં પહેલા દિવસે કયા મહત્ત્વના નિર્ણય લેવાયા?


૧. પીએમ રાહત યોજનાને મંજૂરી : નવી ઑફિસમાં કામ શરૂ કરીને વડા પ્રધાને અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા. આમાં દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવાની પીએમ રાહત (PM RAHAT) યોજનાનો સમાવેશ છે. આ યોજના હેઠળ માર્ગદુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ૧.૫ લાખ રૂપિયા સુધીની કૅશલેસ સારવાર આપવામાં આવશે, જેથી સમયસર સારવારના અભાવે કોઈ જીવ ગુમાવે નહીં. આ યોજના સુનિશ્ચિત કરશે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ ન ગુમાવે.

૨. ‘લખપતિ દીદી’નું લક્ષ્ય બમણું કરવું : સરકારે સમયમર્યાદાના એક વર્ષ પહેલાં ૩ કરોડ ‘લખપતિ દીદી’નું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે વડા પ્રધાને માર્ચ ૨૦૨૯ સુધીમાં આ સંખ્યા વધારીને ૬ કરોડ કરવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ પગલું મહિલા આર્થિક સશક્તીકરણ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.

૩. ખેડૂતો માટે એક મોટી જાહેરાત : કૃષિક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઍગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ વધારીને બે લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ કૃષિમૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવામાં અને ખેડૂતોને વધુ સારી સંગ્રહ અને પ્રક્રિયા સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરશે.

૪. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફન્ડ 2.0 મંજૂર : નવીનતા અને ઊભરતી તકનીકોને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફન્ડ ઑફ ફન્ડ્સ 2.0 મંજૂર કરવામાં આવ્યું છે. એનો હેતુ ડીપ ટેક, ઍડ્વાન્સ્ડ મૅન્યુફૅક્ચરિંગ અને પ્રારંભિક તબક્કાની નવીનતાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

શા માટે નામ રાખ્યું સેવા તીર્થ?

ગઈ કાલે નરેન્દ્ર મોદીએ નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું હતું કે ‘પ્રધાનમંત્રી કાર્યલયનું નામ સેવા તીર્થ રાખવા પાછળ વિઝન અને સંકલ્પ છે. સેવા જ સૌથી મોટો ધર્મ છે અને સેવાની ભાવના ભારતનો આત્મા છે. નામ બદલવા પાછળ સ્વતંત્ર ભારતની ઓળખ છે. આઝાદી પછી સાઉથ બ્લૉક અને નૉર્થ બ્લૉક જેવાં બિલ્ડિંગોમાં દેશમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા, પરંતુ એ વાત પણ સાચી છે કે આ બિલ્ડિંગો બ્રિટિશ સામ્રાજ્યનું પ્રતીક બની ગયાં હતાં. આ ઇમારતોનો હેતુ ભારતને ગુલામીની જંજીરોમાં જકડવાનો હતો. ગુલામીની માનસિકતા હવે નહીં ચાલે. ૨૦૧૪ પછી આપણે વીરોનાં નામ પર નૅશનલ વૉર મેમોરિયલ બનાવ્યાં. આ માત્ર નામ બદલવા પૂરતું સીમિત નથી, પરંતુ સત્તાના મિજાજને સેવાની ભાવનામાં બદલવાનો પવિત્ર પ્રયાસ છે.’

૧૧૮૯ કરોડ રૂપિયાનો ખર્ચ

‘સેવા તીર્થ’ દારા શિકોહ રોડ પર આવેલું છે અને ૨.૨૬ લાખ ચોરસફુટનું આ સંકુલ ૧૧૮૯ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સંકુલ વડા પ્રધાનની ગતિવિધિને સરળ બનાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રચાયેલી ઉચ્ચ-તકનીકી સુવિધાઓથી સજ્જ છે.

જૂનાં બિલ્ડિંગોમાં બનશે મ્યુઝિયમ

જૂનાં ભવનોમાં વિતાવેલાં વર્ષો સ્મૃતિ તરીકે આપણી સાથે રહેશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અલગ-અલગ સમય પર ત્યાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. ત્યાંથી દેશને નવી દિશા મળેલી. આ પરિસર અને બિલ્ડિંગો ભારતના ઇતિહાસનો હિસ્સો છે એટલે આ ભવનને દેશ માટે સમર્પિત મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 11:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK