બસમાં સવાર તમામ ૧૬ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા
પ્રાથમિક તપાસમાં અચાનક બ્રેક ફેલ અથવા તો સ્ટીઅરિંગ લૉક થવાની આશંકા થઈ રહી છે
શનિવારે સાંજે લગભગ સાડાપાંચ વાગ્યે રામપુરથી દિલ્હી જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની બસનો મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. બસ સ્પીડમાં હાપુડ જિલ્લાના બ્રજઘાટના ગંગા પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પુલની રેલિંગ તોડીને હવામાં લટકી પડી હતી. અડધોઅડધ બસ પુલની બહાર લટકી પડી હતી અને નીચે ગંગા નદીનો પ્રવાહ હતો એ જોઈને બસમાં બેઠેલા મુસાફરોમાં કાગારોળ મચી ગઈ હતી. અકસ્માત વખતે બસમાં માત્ર ૧૬ જ યાત્રીઓ સવાર હતા જેને પોલીસ અને સ્થાનિક લોકોએ ધીમે-ધીમે બારીઓમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ ક્રેન બોલાવીને બસને પુલ પરથી હટાવવામાં આવી હતી.
પોલીસ અને પરિવહન વિભાગે અકસ્માતનાં કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં અચાનક બ્રેક ફેલ અથવા તો સ્ટીઅરિંગ લૉક થવાની આશંકા થઈ રહી છે.


