મુસાફરીનો સમય ઘટાડવા અને યાત્રાળુઓની સલામતી વધારવાના પ્રયાસમાં સરકારે ગુપ્તકાશી નજીક કાલીમઠ ખીણમાં ચૌમાસીને સોનપ્રયાગ સાથે જોડતી ૭ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે...
કેદારનાથ જવા માટે બનશે સાત કિલોમીટર લાંબી ટનલ
ચારધામમાં સૌથી વધારે કઠણ માનવામાં આવતી કેદારનાથ યાત્રાને સુગમ બનાવવા, મુસાફરીનો સમય ઘટાડવા અને યાત્રાળુઓની સલામતી વધારવાના પ્રયાસમાં સરકારે ગુપ્તકાશી નજીક કાલીમઠ ખીણમાં ચૌમાસીને સોનપ્રયાગ સાથે જોડતી ૭ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે રોપવે પ્રોજેક્ટનું પ્રારંભિક બિંદુ છે અને એ યાત્રાળુઓને મંદિર સુધી લઈ જશે.
ટ્વિન ટ્યુબ ટનલ ફક્ત એક વિકલ્પ જ નહીં પરંતુ કટોકટી અને ખરાબ હવામાનની સ્થિતિમાં સલામત રીતે બહાર નીકળવાના માર્ગ તરીકે પણ ઉપયોગી થશે.
કેદારનાથ મંદિર સાથે વધુ સારી કનેક્ટિવિટી માટે સરકાર ચૌમાસી બાજુથી વૉકવે અને પગપાળા ટનલ માટે શક્યતાની ચકાસણી કરશે. હાલમાં સોનપ્રયાગ અને ગૌરી કુંડ તરફ જતાં બધાં વાહનો NH-107નો ઉપયોગ કરે છે. નવી યોજના મુજબ કાલીમઠ ખીણમાં હાલના એક લેન રોડને બે લેનમાં વિસ્તૃત કરવામાં આવશે, જેથી ટનલ કાર્યરત થયા પછી ટ્રાફિકમાં વધારો થાય તો આ માર્ગ પર પ્રવાસમાં સરળતા રહેશે.


