મની-લૉન્ડરિંગ અને આતંકવાદ માટે ભંડોળને અટકાવવા માટેની ઇન્ટરનૅશનલ સંસ્થાએ આ જાણકારી આપી હતી

પ્રતીકાત્મક તસવીર
ભારતની યુનિક સાઇબર ફ્રૉડ રિપોર્ટિંગ સિસ્ટમને કારણે ૬૦૦ કરોડથી વધુ રૂપિયા ઑનલાઇન ઠગબાજો સુધી પહોંચતા અટક્યા છે. મની-લૉન્ડરિંગ અને આતંકવાદ માટે ભંડોળને અટકાવવા માટેની ઇન્ટરનૅશનલ સંસ્થાએ આ જાણકારી આપી હતી.
ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સિટિઝન ફાઇનૅન્શિયલ સાઇબર ફ્રૉડ રિપોર્ટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ સિસ્ટમને એપ્રિલ ૨૦૨૧માં લૉન્ચ કરવામાં આવી ત્યારથી છેતરપિંડીવાળાં આટલી રકમનાં ટ્રાન્ઝૅક્શન્સને અટકાવવામાં આવ્યાં છે, જે સાઇબર ફ્રૉડ્સને સંબંધિત ગેરકાયદે ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સને અટકાવવાની આ સિસ્ટમની ક્ષમતા સૂચવે છે.
સિટિઝન ફાઇનૅન્શિયલ સાઇબર ફ્રૉડ રિપોર્ટિંગ ઍન્ડ મૅનેજમેન્ટ સિસ્ટમ ગૃહ મંત્રાલયની બ્રાન્ચ ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવેલી એક ઑનલાઇન સિસ્ટમ છે, જેનો હેતુ ફાઇનૅન્શિયલ સાઇબર ફ્રૉડના ઝડપી રિપોર્ટિંગ તેમ જ ફ્રૉડની કમાણી ઠગબાજો સુધી પહોંચતી અટકાવવાનો છે. આ સિસ્ટમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ તેમ જ બૅન્કો, વર્ચ્યુઅલ વૉલેટ્સ, પેમેન્ટ ઍગ્રિગેટર્સ અને ગેટવેઝ, ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ સહિત ૨૪૩ ફાઇનૅન્શિયલ સંસ્થાઓને સાથે લાવી છે.

