ભારત કુકિંગ કોલ લિમિટેડના ભોવરા કોલસાની ખાણના એરિયામાં ગઈ કાલે સવારે આ ઘટના બની હતી.

ધનબાદ પાસે ગઈ કાલે ભોવરા કોલસાની ખાણના એરિયામાં ગેરકાયદે ખાણ ધસી પડ્યા બાદ રેસ્ક્યુ ઑપરેશન કરી રહેલી ટીમ. રેસ્ક્યુ ઑપરેશનમાં ઢીલાશ રાખવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તસવીર પી.ટી.આઇ.
ધનબાદ પાસે કોલસાની એક ગેરકાયદે ખાણ ધસી પડતાં ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત નીપજ્યાં હતા, જ્યારે અનેક લોકો એમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ભારત કુકિંગ કોલ લિમિટેડના ભોવરા કોલસાની ખાણના એરિયામાં ગઈ કાલે સવારે આ ઘટના બની હતી.
સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે કાટમાળમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. પાંચ જણને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. એક બાળક, એક મહિલા અને ૨૫ વર્ષના એક યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા છે.
આ ઘટનાના સાક્ષી વિનોદ કુમાર સુધાકરે કહ્યું કે ‘જાણ કર્યા છતાં ઑથોરિટીઝે બચાવ કામગીરી શરૂ કરવામાં ઘશે વિલંબ કર્યો હતો. અમે કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં સુધી એફઆઇઆર દાખલ ન થાય ત્યાં સુધી અમે વિરોધ-પ્રદર્શન કરીશું. અહીં વ્યાપકપણે ગેરકાયદે ખાણો છે અને અનેક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.’