પીડિત યુવતીઓનું કહેવું છે કે ઇન્સ્ટિટ્યૂટની ફૅકલ્ટી અને આશ્રમની મહિલાઓ અમારા પર દબાણ બનાવતી હતી કે સારા માર્ક્સ જોઈતા હોય તો જાઓ તેમને ખુશ કરો
સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી
૧૭ સ્ટુડન્ટ્સે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર જાતીય સતામણીનો આરોપ લગાવતાં કહ્યું કે ફૅકલ્ટી અને આશ્રમની મહિલાઓ જ કહેતી હતી કે જાઓ, તેમને ખુશ કરો: ફરિયાદ પછી સ્વામી ફરાર છે અને પોલીસે ૩૦ યુવતીઓનાં સ્ટેટમેન્ટ નોંધીને પુરાવાઓ એકઠા કરવાનું શરૂ કરી દીધું
દિલ્હીના વસંતકુજમાં શ્રી શ્રીન્ગેરી મઠની સાથે સંકળાયેલી શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મૅનેજમેન્ટના ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર ૧૭ વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. પીડિત યુવતીઓનું કહેવું છે કે ઇન્સ્ટિટ્યૂટની ફૅકલ્ટી અને આશ્રમની મહિલાઓ અમારા પર દબાણ બનાવતી હતી કે સારા માર્ક્સ જોઈતા હોય તો જાઓ તેમને ખુશ કરો.
ADVERTISEMENT

દિલ્હીના વસંત કુંજમાં આવેલી આ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મૅનેજમેન્ટની ૧૭ વિદ્યાર્થિનીઓએ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર જાતીય સતામણી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ ફરિયાદ પછી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર છે. પોલીસે તેમની શોધ શરૂ કરી દીધી છે. પોલીસતપાસમાં કુલ ૩૨ સ્ટુડન્ટ્સનાં નિવેદન લેવામાં આવ્યાં છે જેમાંથી ૧૭ છોકરીઓએ કહ્યું હતું કે ફૅકલ્ટી અને આશ્રમની મહિલાઓ તેમના પર ચૈતન્યાનંદની ડિમાન્ડ પૂરી કરવા માટે દબાણ કરતી હતી અને તેમને પૈસા અને સારા માર્ક્સની લાલચ આપીને તેમને ખુશ કરવા કહેતી હતી. પીડિત સ્ટુડન્ટ્સે કહ્યું હતું કે આરોપી અભદ્ર ભાષા વાપરતા હતા, અશ્લીલ વૉટ્સઍપ મેસેજ મોકલતા હતા અને ખરાબ રીતે સ્પર્શ કરતા હતા. આ ફરિયાદ પછી આશ્રમે પણ સ્વામી ચૈતન્યાનંદની આ હરકતો પર ઍક્શન લઈને આશ્રમના નિર્દેશક પદ પરથી હટાવી દીધા હતા. પોલીસે સ્વામીને રોકવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મૅનેજમેન્ટના પરિસરમાંથી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની વૉલ્વો કાર પોલીસે જપ્ત કરી હતી. આ કારની નંબર-પ્લેટ ખોટી હતી અને એની ડિકીમાંથી પણ બીજી દસ નકલી નંબર-પ્લેટ્સ મળી હતી.
એક યુવતીએ કહ્યું હતું કે તેને ડિરેક્ટર તરફથી વૉટ્સઍપ મેસેજ મળ્યો હતો કે મેરે કમરે મેં આઓ... મૈં તુમ્હેં વિદેશયાત્રા પર લે ચલૂંગા, તુમ્હે કુછ ભી નહીં દેના હોગા. એક છોકરીને ધમકી આપી હતી કે જો તું મારી વાત નહીં માને તો હું તને ફેલ કરી દઈશ. પોલીસે તપાસ દરમ્યાન આ મેસેજના પુરાવાઓ એકઠા કર્યા હતા. મોડી સાંજે પોલીસે કહ્યું હતું કે ફોન-નંબર પરથી સ્વામી ચૈતન્યાનંદને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે અને તેમને જલદી જ પકડી લઈશું.
કોણ છે આ સ્વામી?
મૂળ ઓડિશામાં રહેતા ચૈતન્યાનંદ સરસ્વતી ૧૨ વર્ષથી શ્રી શ્રીન્ગેરી મઠ આશ્રમમાં રહેતા હતા. તેઓ આશ્રમના સંચાલક અને કૅરટેકર બન્ને હતા. ૨૦૦૯ અને ૨૦૧૬માં પણ દિલ્હીની ડિફેન્સ કૉલોનીમાં તેમની વિરુદ્ધ ઠગાઈ અને છેડછાડના કેસ દાખલ થઈ ચૂક્યા છે.


