પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યાની માગણી
શુભમ દ્વિવેદીની પત્ની આશન્યા
પહલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કાનપુરના શુભમ દ્વિવેદીની પત્ની આશન્યાએ પતિને શહીદનો દરજ્જો આપવાની માગણી કરી છે. તેણે કહ્યું હતું કે ‘તેમણે ગર્વથી પોતાને હિન્દુ તરીકે ઓળખાવીને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. મને સરકાર પાસેથી બીજું કંઈ જોઈતું નથી, બસ, શુભમને શહીદનો દરજ્જો આપવામાં આવે. જો સરકાર મારી આ ઇચ્છાનો સ્વીકાર કરશે તો મને પણ જીવવાની મકસદ મળી જશે.’
પહલગામ હુમલા વિશે મીડિયા સાથે શનિવારે વાતચીત કરતાં આશન્યાએ કહ્યું હતું કે ‘આતંકવાદીઓ મારી અને શુભમની પાસે આવ્યા અને એમાંથી એક જણે અમને સવાલ કર્યો કે અમે હિન્દુ છીએ કે મુસલમાન? અમને લાગ્યું કે તેઓ અમારી સાથે મજાક કરી રહ્યા છે. હું પાછળ ફરી અને તેમને પૂછ્યું કે શું છે? ત્યારે તેમણે ફરી તેમનો સવાલ દોહરાવ્યો હતો. જે ક્ષણે મેં જવાબ આપ્યો કે અમે હિન્દુ છીએ, તરત જ એક ગોળી છોડવામાં આવી અને મારા માટે બધું ખતમ થઈ ગયું. પહેલી જ ગોળી મારા પતિને મારવામાં આવી હતી. જોકે એ સમયગાળામાં ઘણા લોકોને ભાગવાનો અને પોતાનો જીવ બચાવવાનો મોકો મળી ગયો. મને બીજું કંઈ નથી જોઈતું. સરકાર શુભમને શહીદનો દરજ્જો આપે. નામ અને ધર્મ પૂછીને ગોળી ચલાવનારાઓને ખતમ કરી દેવામાં આવવા જોઈએ.’


