હ્યુમન રાઇટ્સ કમિશને બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની તપાસનો આદેશ આપ્યો
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડના રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ રાજુ ગોયલને પાંચ દિવસ નજરકેદમાં રાખવાની સાથે તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવાના મામલામાં નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઝોન-એકના તત્કાલીન ડેપ્યુટી પોલીસ-કમિશનર અમિત કાળે અને મીરા રોડના તત્કાલીન સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ બાગલની તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મીરા-ભાઈંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને તેમનાં પત્ની સુમન મહેતા પાસે આવક કરતાં વધુ સંપત્તિ બાબતે RTI ઍક્ટિવિસ્ટ રાજુ ગોયલે માહિતી અધિકાર ઍક્ટ મુજબ ૨૦૨૨માં અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ રાજુ ગોયલને મીરા રોડ પોલીસે ૨૦૨૨ની ૨૩થી ૨૭ સપ્ટેમ્બર સુધી નજરકેદમાં રાખ્યો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, બાદમાં તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. પોતાની સામેની પોલીસની આ કાર્યવાહી ગેરકાયદે હોવાનું જણાવીને રાજુ ગોયલે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ કરી હતી. આથી હ્યુમન રાઇટ્સ કમિશને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના કમિશનર મધુકર પાંડેને સોમવારે આ મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

