ફૂડ ઍન્ડ બેવરેજિસ કાઉન્ટરમાં વાંદા અને ગંદકી મળી આવ્યાં હતાં, FDAએ કાઉન્ટર્સ સીલ કર્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
ફૂડ-સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ ઘાટકોપર-વેસ્ટમાં આવેલા આર-સિટી મૉલના ફૂડ-પ્લાઝાને થોડા દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA)ની તપાસ દરમ્યાન ફૂડ ઍન્ડ બેવરેજિસ કાઉન્ટર્સમાં ગંદકી, વાંદાનો ઉપદ્રવ અને પાણીની સ્વચ્છતા વિશેના રિપોર્ટમાં શંકા જણાતાં પાંચ દિવસ માટે કાઉન્ટર બંધ કરાવી દીધાં હતાં. થિયેટરમાં શો ચાલુ હતા, પણ પૉપકૉર્ન અને અન્ય નાસ્તા વગર જ દર્શકોને મૂવી જોવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે થિયેટરમાં બહારની ફૂડ-આઇટમ્સ લાવવાની પરવાનગી હોતી નથી, પણ કાઉન્ટર્સ સીલ થતાં મલ્ટિપ્લેક્સના મૅનેજમેન્ટે ગ્રાહકોને બહારથી ખાવાની વસ્તુઓ લાવવાની મંજૂરી આપી હતી. મલ્ટિપ્લેક્સનો ફૂડ ઍન્ડ બેવરેજિસ વિભાગ જરૂરી સુધારા થયા પછી હવે ફરી શરૂ થઈ ગયો છે.
