સુપ્રીમ કોર્ટના ૨૦૧૮ના આદેશ બાદ પણ સરકારી જમીનો પર થતા લૅન્ડ જેહાદ સામે કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ પ્રખર હિન્દુત્વવાદી કાજલ હિન્દુસ્તાનીએ કર્યો ઃ આજે નવી મુંબઈમાં સકલ હિન્દુ સમાજ દ્વારા લવ-લૅન્ડ જેહાદ અને ધર્માંતરના વિરોધમાં વિશાળ સભાને સંબોધશે

કાજલ શિંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની.
મુંબઈ ઃ સકલ હિન્દુ સમાજ દ્વારા લવ અને લૅન્ડ જેહાદની સાથે ધર્માંતરના વિરોધમાં ગયા મહિને મુંબઈમાં આયોજિત કરવામાં આવેલા મોરચાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ આજે નવી મુંબઈમાં આવા બીજા મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. સકલ હિન્દુ સમાજ દ્વારા આ મામલે કાયદો લાવવા માટે સરકાર પગલું ભરે એ માટે તમામ હિન્દુઓને આ મોરચામાં મોટી સંખ્યામાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી છે. નવી મુંબઈના વાશી ખાતે આયોજિત આ મોરચા બાદ સભાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેને ફૉલો કરે છે એ પ્રખર હિન્દુત્વવાદી અને લવ જેહાદ સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલાં જામનગરનાં કાજલ હિન્દુસ્તાની સંબોધશે.
મોરચા બાદ આયોજિત કરવામાં આવેલી સભાને પ્રખર હિન્દુત્વવાદી અને લવ ઍન્ડ લૅન્ડ જેહાદ સામે લડત ચલાવી રહેલાં મૂળ રાજસ્થાનનાં પણ ગુજરાતી બિઝનેસમૅનને પરણીને જામનગરમાં રહેતાં કાજલ શિંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની સંબોધશે. કાજલ હિન્દુસ્તાની તેમની આગઝરતી વાણી અને બેબાક બોલવા માટે જાણીતાં છે.
શા માટે હિન્દુ સમાજે લવ-લૅન્ડ જેહાદ અને ધર્માંતરના વિરોધમાં મોરચો કાઢવો પડે છે એ વિશે કાજલ હિન્દુસ્તાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં સતત ઇસ્લામિક જમીન આક્રમણની સાથે હિન્દુ યુવતીઓને ફસાવીને લવ જેહાદ ફેલાવાઈ રહ્યો છે. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સરકારી જમીનો પર ધાર્મિક સંસ્થાઓએ કરેલું અતિક્રમણ દૂર કરવાનો નિર્દેશ રાજ્ય સરકારોને આપ્યો હતો. જોકે આ નિર્દેશને પાંચ વર્ષ થયાં હોવા છતાં કોઈ સરકાર આવાં અતિક્રમણો દૂર નથી કરતી. કેટલીક સરકારોએ હિન્દુઓનાં મંદિરોને હટાવ્યાં છે, પણ મુસ્લિમોનાં અતિક્રમણો હટાવાયાં નથી. દેશભરની સરકારો ભારતમાં વધી રહેલા ઇસ્લામિક અતિક્રમણ અને લવ જેહાદને રોકવા માટે કાયદો લાવે એ માટે સકલ હિન્દુ સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા સ્થળે મોરચાનું આયોજન કરવામાં આવે છે. સરકારો કોઈ કાર્યવાહી નથી કરતી એટલે આવાં આયોજનો કરવા પડે છે. જાણીને તમે ચોંકી ઊઠશો કે દેશભરમાં વકફ બોર્ડ પાસે આઠ લાખ ચોરસ કિલોમીટર જેટલી જમીન છે. આટલી બધી જમીન ઇસ્લામિક સંગઠન પાસે કેવી રીતે આવી એ વિશે કોઈ બોલતું નથી. કલેક્ટરોને અનેક રજૂઆત કરાયા બાદ પણ કોઈ પરિણામ નથી દેખાતું. સરકાર જાગે અને આ સંબંધે કાયદો લાવે એવી અમારી માગણી છે.’
કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં કહ્યું હતું કે ‘આજે સરકારો જો લવ અને લૅન્ડ જેહાદ સામે કઠોર કાયદો નહીં લાવે તો ભવિષ્યમાં હિન્દુઓએ એનાં ભયંકર પરિણામો ભોગવવાં પડશે. સરકાર કાયદો ઘડશે અને એ અમલમાં મૂકશે તો પણ કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ એના પર બરાબર કામ કરે એ જોવાનું કામ પણ સરકારની સાથે હિન્દુઓનું છે. હિન્દુઓ અત્યારે નહીં જાગે તો તેઓ ક્યાંયના નહીં રહે. આપણી બહેન-દીકરીઓની ઇજ્જતની સાથે આપણી જમીનો પણ આપણા હાથમાંથી જતી રહેશે. આ માટે સમસ્ત હિન્દુઓએ જાતિઓના મતભેદ ભુલાવીને આપણા દેશને બચાવવા માટે સજાગ થવું પડશે.’