મુંબઈ કૉર્પોરેશન બંધ માર્ગ વિશેની સત્તાવાર માહિતી મોકલશે, જેથી નાગરિકોને ગૂગલ મૅપ્સ સર્ચ કરતી વખતે બંધ માર્ગોની વિગતો મળશે. આ ઉપરાંત ગૂગલ મૅપ્સ દ્વારા બંધ માર્ગનો વૈકલ્પિક રૂટ પણ દર્શાવવામાં આવશે.’
કયો રોડ બંધ છે એ ગૂગલ મૅપ્સ પરથી જાણી શકાશે
બીએમસી હવે વિવિધ કાર્યોને કારણે બંધ થયેલા માર્ગ વિશેની જાણકારી ગૂગલ પર પૂરી પાડશે અને એ પછી એ માહિતી ગૂગલ મૅપ્સ પર અપડેટ કરાશે. દેશનાં કેટલાંક શહેરોમાં આ પ્રયોગ અજમાવાયો છે અને હવે આ સેવા મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ થશે.
મુંબઈમાં ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે અને ઘણા લોકો શહેરમાં મુસાફરી કરવા દરમિયાન ગૂગલ મૅપ્સનો ઉપયોગ કરતા હોવા છતાં બંધ માર્ગો વિશેની જાણકારી એમાં નથી હોતી. મુંબઈ કૉર્પોરેશનના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ડિરેક્ટર અને અસિસ્ટન્ટ કમિશનર શરદ ઉઘડેએ જણાવ્યું હતું કે ‘આ બાબતને ધ્યાનમાં રાખીને નાગરિકોને અસુવિધા ન થાય એ માટે મુંબઈ કૉર્પોરેશનના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી વિભાગ દ્વારા આ નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. મુંબઈ કૉર્પોરેશન બંધ માર્ગ વિશેની સત્તાવાર માહિતી મોકલશે, જેથી નાગરિકોને ગૂગલ મૅપ્સ સર્ચ કરતી વખતે બંધ માર્ગોની વિગતો મળશે. આ ઉપરાંત ગૂગલ મૅપ્સ દ્વારા બંધ માર્ગનો વૈકલ્પિક રૂટ પણ દર્શાવવામાં આવશે.’
આ માટે ટેસ્ટિંગના સ્વરૂપમાં ગૂગલને દક્ષિણ મુંબઈના ગણપતરાવ કદમ રોડ પર ચાલી રહેલા કામ વિશે માહિતી અપાઈ હતી. મૅપ પર લાલ રંગની ટપકાંવાળી રેખા સાથે માહિતી અપડેટ કરાઈ હતી. આ લાઇન પર ક્લિક કરતાં માર્ગ ક્યાં સુધી બંધ રહેશે એ જાણી શકાય છે. આ ઉપરાંત મૅપ્સમાં માર્ગ બંધ થવા કે ડાઇવર્ઝન પાછળનું કારણ પણ દર્શાવવામાં આવશે. મુંબઈ કૉર્પોરેશન ઉપરાંત શહેરમાં માર્ગ સંબંધિત વિકાસલક્ષી અને દેખરેખનાં કાર્યો હાથ ધરી શકે એવાં એમએમઆરડીએ અને ટ્રાફિક પોલીસ જેવાં અન્ય સત્તા તંત્રો પણ આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકે છે.

