Vistara Flight Disruption: એરલાઇન પાસે પાઇલોટની ઉપલબ્ધતા ન હોવાને કારણે આજે મુંબઈથી ઉપડનારી 15 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
વિસ્તારા ફ્લાઇટની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- બેંગલુરુથી ઉપડનારી કુલ 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
- 160 ફ્લાઇટ વિલંબિત થઈ રહી છે. જેને કારણે અસંતુષ્ટ મુસાફરોએ પોતાની હતાશા વ્યક્ત કરી છે
- નિયમિત ક્ષમતા પર કામગીરી ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે
ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સની માલિકીની ભારતીય એરલાઇન વિસ્તારા (Vistara Flight Disruption)ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાઇલટ્સની અછતને કારણે ફ્લાઇટ ઓપરેશનમાં અચાનક ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પાયલોટની અછતની અસર વિસ્તારા એરલાઈન્સ પર પણ જોવા મળી રહી છે. પાઈલટોની અછતને કારણે વિસ્તારાએ મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. આજે એટલે કે મંગળવારે વધુ ફ્લાઈટ્સ કેન્સલ થવાની શક્યતા વર્તાઇ હતી.
ADVERTISEMENT
મુંબઈ સહિતનાં મુખ્ય શહેરોમાંથી ઊપડતી ફ્લાઇટ્સ રદ
મુખ્ય શહેરમાંથી ઊપડતી 38 વિસ્તારાની ફ્લાઇટ્સ (Vistara Flight Disruption) આજે સવારે રદ કરવામાં આવી હતી. એરલાઇન પાસે પાઇલોટની ઉપલબ્ધતા ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વચ્ચે જ આજે મુંબઈથી ઉપડનારી 15 જેટલી ફ્લાઈટ્સ, દિલ્હીથી ઉપડનારી 12 અને બેંગલુરુથી ઉપડનારી કુલ 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
યાત્રીઓને તકલીફ ન પડે માટે લેવામાં આવ્યા છે આ પગલાં
પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્તારાનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી એરલાઇન્સ મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. અમે આ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું નક્કી કર્યું છે. સાથે જ એરલાઈને જ્યાં શક્ય હોય ત્યાં લાંબી ફ્લાઈટ્સ સમાવવા માટે પસંદગીના સ્થાનિક રૂટ પર B787-9 ડ્રીમલાઈનર અને A321neo જેવા મોટા એરક્રાફ્ટને તૈનાત કર્યા છે.
ભારતના ઉડ્ડયન નિયમનકારે એરલાઇન્સ (Vistara Flight Disruption) માટે પાઇલોટ્સ માટે આરામ અને ફરજના સમય અંગેના નવા નિયમો અપનાવવાની સમયમર્યાદાને મોકૂફ રાખી છે ત્યારે વિસ્તારાની ફ્લાઇટમાં આ પ્રકારનો વિક્ષેપ આવી રહ્યો છે.
ગઈકાલે વિસ્તારાની 50 ફ્લાઈટ્સ રદ કર્યા પછી આજે ફરી ૩૮ જેટલી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. જેમાં 160 ફ્લાઇટ વિલંબિત થઈ રહી છે. જેને કારણે અસંતુષ્ટ મુસાફરોએ પોતાની હતાશા વ્યક્ત કરી છે.
શું કહી રહ્યા છે વિસ્તારાનાં પ્રવક્તા?
આ બાબતે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ (Vistara Flight Disruption)ને પહોંચી વળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિયમિત ક્ષમતા પર કામગીરી ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. આ સાથે જ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવા કરારો પર હસ્તાક્ષર કર્યા પછી વિસ્તારાને તેના A320 ફ્લીટ એક્ઝિક્યુટિવ્સ માટે માસિક વેતનના સુધારાને પગલે પાઇલટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિસ્તારાએ ગઈકાલે એક નિવેદનમાં કહ્યું હતું કે ક્રુની અનુપલબ્ધતા સહિતના વિવિધ કારણોસર છેલ્લા કેટલાક દિવસોમાં આ રીતે નોંધપાત્ર સંખ્યામાં ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ વિસ્તારાએ એ વાતની પણ સ્વીકૃતિ કરી હતી કે આ રીતે અચાનક ફ્લાઇટ રદ અને વિલંબિત કરવાને કારણે તેમના ગ્રાહકોને અસુવિધા પડી રહી છે.