નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની માગણી
પ્રતીકાત્મક તસવીર
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું છે કે ફક્ત હિન્દુઓને જ નવરાત્રિના ગરબા રમવાની પરવાનગી આપવી જોઈએ. તેમણે ઑર્ગેનાઇઝર્સને સૂચન કર્યું છે કે મેદાનના ગેટ પર જ ખેલૈયાઓને આઇડેન્ટિટી કાર્ડ કે આધાર કાર્ડ ચેક કરીને અંદર છોડવા જોઈએ. આ બાબતે રાજ્ય સરકારના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ચંદ્રકાત બાવનકુળેએ કહ્યું હતું કે ગરબા ઑર્ગેનાઇઝર કોને એન્ટ્રી આપવી અને કોને ન આપવી એ માટેનો અધિકાર ધરાવે છે, જોકે એ ઇવેન્ટ માટે તેમની પાસે પોલીસની પરવાનગી લીધી હોવી જરૂરી છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘ગરબા માત્ર ડાન્સ નથી પણ એના વડે માતાજીની ભક્તિ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. તેઓ (મુસ્લિમો) મૂર્તિપૂજામાં માનતા નથી. જે લોકો શ્રદ્ધાપૂર્વક આ રિવાજોમાં માનતા હોય તેમને જ ગરબા રમવાની પરવાનગી આપવી જોઈએ. ઑર્ગેનાઇઝર્સને અમે કહ્યું છે કે એન્ટ્રી આપતી વખતે જ આધાર કાર્ડ ચેક કરવામાં આવે અને જેમને એન્ટ્રી અપાય તેમને તિલક કરવામાં આવે અને તેઓ પૂજા પણ કરે. VHP અને બજરંગ દળના કાર્યકરો મેદાનમાં હાજર રહેશે. ગરબા ભક્તિનો એક પ્રકાર છે, મનોરંજનનો નહીં.’
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘VHP સમાજમાં આગ લગાડવા માગે છે. એ લોકો સમાજને ધર્મના આધારે વિભાજિત કરીને એનો રાજકીય લાભ લેવા માગે છે. VHP કંઈ નવું નથી કહી રહી. આ સંસ્થા જ દેશને ખતમ કરવા બનાવાઈ છે. VHP જેવી સંસ્થાઓના આવા વલણને કારણે ‘અનેકતામાં એકતા’ જે દેશનો મૂળભૂત પાયો છે એ હલી જશે.’


