ડ્રાઇવર વગર ચાલતી રિક્ષા પર ચડીને કરેલી સ્ટન્ટબાજી વાઇરલ કરી તો પોલીસે પકડીને માફી માગતો વિડિયો બનાવડાવ્યો
એક રીલ ઘેલછાની, એક રીલ માફીની
વાઇરલ કન્ટેન્ટ બનાવવાની ઘેલછામાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતાં અચકાતા નથી. કોપરખૈરણે MIDCના સર્વિસ રોડ પર લાઇટો લગાવેલી અને ડ્રાઇવર વગર ગોળ-ગોળ ફરતી રિક્ષાની ઉપર ચડીને એક યુવક સ્ટન્ટબાજી કરતો હોય એવો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો હતો.શનિવારે મોડી રાતે આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો. જોકે વિડિયો વાઇરલ થતાં જ તુર્ભે પોલીસે રિક્ષાની નંબરપ્લેટ પરથી રિક્ષાચાલકની બધી જ વિગતો મેળવી લીધી હતી. પોલીસે આપેલી વિગત મુજબ રિક્ષાડ્રાઇવર આકાશ ધોત્રેએ વિડિયો શૂટ કર્યો હતો અને મેકૅનિક શમશૂદ અહમદ સ્ટન્ટ કરી રહ્યો હતો. આવા સ્ટન્ટને લીધે આસપાસથી પસાર થનારા લોકોનો જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એ વાતને ગંભીરતાથી લેતાં પોલીસ તાત્કાલિક પગલાં લઈને ડ્રાઇવર અને મેકૅનિક સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતાં બન્ને સ્ટન્ટબાજોને પોતાની ભૂલ સમજાઈ હતી. તેથી તેમણે તુર્ભે પોલીસ-સ્ટેશનની બહાર ઊભા રહીને હાથ જોડીને માફી માગતો વિડિયો બનાવ્યો હતો. વિડિયોમાં તેઓ જીવલેણ સ્ટન્ટ બદલ માફી માગે છે અને લોકોને અપીલ કરે છે કે આવા ખતરનાક સ્ટન્ટ કરવા નહીં.


