એક મહિના સુધી અલગ-અલગ બહાનાં બતાવીને સિનિયર સિટિઝન પાસેથી પૈસા પડાવવામાં આવ્યા : મહિલાએ પોતાની બે ફ્રેન્ડના દાગીના ગિરવી રખાવ્યા
સલમાન ખાન (ફાઈલ તસવીર)
વિક્રોલી-ઈસ્ટના કન્નમવારનગરમાં ભાડા પર રહેતાં ૬૧ વર્ષનાં મહિલાએ સલમાન ખાન પાસેથી મદદ મેળવીને પોતાનું ઘર ખરીદવાની લાલચમાં ૧૦.૨૫ લાખ રૂપિયા સાઇબર છેતરપિંડીમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. યુટ્યુબ પર સલમાન ખાન ગરીબોને મદદ કરતો હોવાની જાહેરાત મહિલાએ જોઈ હતી. એમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ સલમાન ખાનના પર્સનલ અસિસ્ટન્ટ તરીકે આપી હતી. ત્યાર બાદ ઘર ખરીદવા માટે એક કરોડ રૂપિયાની મદદ આપવાના બહાને સતત એક મહિના સુધી અલગ-અલગ બહાનાં બતાવીને મહિલા પાસેથી પૈસા પડાવ્યા હતા.
પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેશ જાધવે આ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ એપ્રિલે મહિલા યુટ્યુબ પર સલમાન ખાનનો વિડિયો જોઈ રહી હતી. એ વિડિયોમાં તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરતો હોવાનું બતાવવામાં આવ્યું હતું. એની સાથે સ્ક્રીન પર એક નંબર પણ આપવામાં આવ્યો હતો. મહિલાનું ઘર ભાડા પર હોવાથી તેને પોતાનું ઘર ખરીદવા પૈસાની જરૂર હતી એટલે તેણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. એ સમયે સામેની વ્યક્તિએ પોતાનું નામ ડૉ. સંદીપ આપીને તે સલમાન ખાનનો PA હોવાનું કહ્યું હતું. ત્યારે મહિલાએ ઘર ખરીદવા માટે મદદ કરવાની વિનંતી કરતાં સામેની વ્યક્તિએ ઘર ખરીદવા માટે એક કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. જોકે પૈસા આપતાં પહેલાં તેણે ટૅક્સ ભરવાનો આગ્રહ કર્યો હતો.’
ADVERTISEMENT
મહિલા પોતે તો છેતરપિંડીમાં ફસાઈ હતી અને સાથે તેની બહેનપણીને પણ ફસાવી હતી એમ જણાવતાં પૂર્વ વિભાગ સાઇબર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા પાસે બૅન્કિંગની ઑનલાઇન સુવિધા ન હોવાથી તેણે મની-ટ્રાન્સફર કરતા લોકો પાસેથી સલમાનના PA ડૉ. સંદીપે આપેલા અકાઉન્ટ-નંબર પર શરૂઆતમાં ૫૦,૦૦૦ રૂપિયા મોકલ્યા હતા. એ પછી ડૉ. સંદીપે ફરી ફોન કરીને પૈસાની માગણી કરી હતી અને ૧૫ દિવસમાં તમારા એક કરોડ રૂપિયા મળી જશે એવું વચન આપ્યું હતું. મહિલા પાસે પૈસા ન હોવાથી તેણે તેની બહેનપણી પાસે પૈસાની માગણી કરી હતી. જોકે તેની બહેનપણી પાસે પણ પૈસા ન હોવાથી બહેનપણીએ પોતાના દાગીના વિક્રોલી સ્ટેશન નજીકની મંગલ જ્વેલર્સમાં ગિરવી મૂકીને ત્યાંથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ ડૉ. સંદીપે આપેલા અકાઉન્ટમાં બહારથી ટ્રાન્સફર કરાવી દીધા હતા. એ પછી પણ પૈસાની માગણી કરવામાં આવતાં ફરિયાદી મહિલાએ તેની બીજી બહેનપણી પાસે પૈસા માગી તેના પણ દાગીના ગિરવી મૂકીને મંગલ જ્વેલર્સમાંથી દોઢ લાખ રૂપિયા લઈને એ જ રીતે પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. આમ આશરે એક મહિના સુધી ધીરે-ધીરે કરીને ૧૦.૨૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.’
ભાંડો કેવી રીતે ફૂટ્યો?
એક ખોટો મેસેજ આવ્યો એમાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો એમ જણાવતાં પૂર્વ વિભાગ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનાની શરૂઆત સુધી કોઈ પૈસા ન મળતાં મહિલાએ ડૉ. સંદીપ પાસે પૈસાની માગણી કરી હતી. એ સમયે હમણાં જ પૈસા મોકલું છું એમ કહીને ડૉ. સંદીપે ફોન કાપી નાખ્યો હતો અને મહિલાને એક ટેક્સ્ટ-મેસેજ મોલ્યો હતો જેમાં એક કરોડ રૂપિયા મહિલાના બૅન્ક-ખાતામાં જમા થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એ પછી ડૉ. સંદીપે ફોન કરીને પૈસા જમા થઈ ગયા છે, બીજા ૩ લાખ રૂપિયા તમે હમણાં જ જમા કરાવી દો અને તમારા પૈસા તમે ઉપાડી લો એવું કહેતાં મહિલાને શંકા ગઈ હતી. એટલે તેણે મેસેજ પોતાના દીકરાને બતાવતાં એ ખોટો મેસેજ હોવાની ખાતરી થયા પછી છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’


