Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિદર્ભમાં ત્રાહિમામ્ : દેશમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર અકોલામાં

વિદર્ભમાં ત્રાહિમામ્ : દેશમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર અકોલામાં

Published : 15 April, 2026 11:22 AM | IST | Vidarbha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે અને આવતી કાલે પારો વધવાની શક્યતા હોવાથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં યલો અલર્ટ

મુંબઈમાં ગઈ કાલે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચતાં લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. હૉટ-હૉટ સમરમાં કૂલ-કૂલ ફીલ કરવા યુવતીઓએ કુલ્ફીની મજા માણી હતી. તસવીરો : આશિષ રાજે

મુંબઈમાં ગઈ કાલે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચતાં લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. હૉટ-હૉટ સમરમાં કૂલ-કૂલ ફીલ કરવા યુવતીઓએ કુલ્ફીની મજા માણી હતી. તસવીરો : આશિષ રાજે


રાજ્યમાં હીટવેવ જોવા મળી રહી છે અને એની વધારે અસર વિદર્ભમાં જોવા મળી રહી છે. ગઈ કાલે વિદર્ભના અકોલામાં પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આમ સતત બીજા દિવસે અકોલા દેશનું સૌથી હૉટ સિટી બની રહ્યું હતું. ભારતીય હવામાન ખાતાના જણાવવા મુજબ અકોલાની આ ટેમ્પરેચર સાથે વિશ્વના બીજા સૌથી હૉટ સિટી તરીકે પણ નોંધ લેવાઈ હતી. જોકે અલ ડોરાડો વેધર નામની વિદેશી વેબસાઇટના ડેટા મુજબ અકોલા ગઈ કાલે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એની સાથે જ કર્ણાટકના ગુલબર્ગનું તાપમાન પણ ૪૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહારાષ્ટ્રનું અમરાવતી ૪૩.૮ ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું બીજા ક્રમનું ગરમ શહેર રહ્યું હતું. સોલાપુર જિલ્લામાં મૅક્સિમમ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું જે વિશ્વમાં દસમા ક્ર્મનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વિદર્ભમાં ૮ દિવસ સુધી હીટવેવ રહેશે એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

અકોલામાં સૌથી વધુ ૪૪ અને મહાબળેશ્વરમાં સૌથી ઓછું ૩૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરાવતીમાં ૪૩.૮, યવતમાળમાં ૪૨.૬, સોલાપુરમાં ૪૩.૨, વર્ધામાં ૪૩.૫, પરભણીમાં ૪૨.૧ અને જળગાવમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.



સખત તડકાથી લોકોનું રક્ષણ કરવા રાજ્ય સરકારે સખત ગરમીવાળા ૧૫ જિલ્લાઓ, ચંદ્રપુર કોલસાની ખાણ અને એના મજૂરો અને હાઉસિંગ કૉલોનીઓમાં ગરમી કઈ રીતે રોકી શકાય એના ઉપાય યોજવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) લાગુ કરી છે.


આજે અને કાલે યલો અલર્ટ

આજે ૧૫ એપ્રિલે અને આવતી કાલે ૧૬ એપ્રિલે મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પારો વધવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ યલો અલર્ટ ઇશ્યુ કરી છે. હવામાન ખાતાનું કહેવું છે કે આ સમય દરમ્યાન પારો વધવાની સાથે-સાથે ભેજનું પ્રમાણ પણ હશે એટલે કેટલીક જગ્યાએ બફારો પણ થશે. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે મુંબઈમાં પારો ૩૬ ડિગ્રી સુધી જવાની શક્યતા છે, જ્યારે રાતનું મિનિમમ ટેમ્પરેચર પણ ૨૪ ડિગ્રી રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આમ આ સમય દરમ્યાન પારો ઍવરેજ ટેમ્પરેચર કરતાં બે-ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. 


કાળઝાળ ગરમીમાં રસ્તા પર કામ કરતા લોકોને બપોરે ફરજિયાત ૧૨થી ૪ બ્રેક  - શ્રમિકો, ફેરિયાઓ, ટ્રાફિક-પોલીસ, ડિલિવરી-બૉય્ઝ, રિક્ષા-ડ્રાઇવરો માટે સરકારની SOP

સતત વધતા જતા તાપમાન અને હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે શ્રમિકોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને જાહેરાત કરી છે કે કાળઝાળ ગરમી દરમ્યાન રસ્તા પર કામ કરતા શ્રમિકો માટે બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી ફરજિયાત બ્રેક રાખવો પડશે. આ માટે સરકારે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે જે મુજબ ગરમીની ઑરેન્જ અને રેડ અલર્ટ દરમ્યાન કામના કલાકો બદલીને સવારે ૬થી ૧૧ અને સાંજે ૪થી ૮ કરવાના રહેશે. આ નિયમ મુખ્યત્વે બાંધકામ-શ્રમિકો, ફેરિયાઓ, ટ્રાફિક-પોલીસ, ડિલિવરી-બૉય્ઝ, રિક્ષા-ડ્રાઇવરો અને આશા-વર્કરો જેવા ખુલ્લામાં કામ કરતા લોકો પર લાગુ થશે. મુંબઈ સહિતનાં તમામ નગરનિગમો અને નગરપંચાયતોને આ ગાઇડ-લાઇનનો અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જાહેર સ્થળો, બજારો અને ટ્રાફિક-જંક્શન પર પીવાના પાણીની પરબો અને ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્સ (ORS) વિતરણ-કેન્દ્રો ઊભાં કરવામાં આવશે.

 

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:22 AM IST | Vidarbha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK