હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં વરસાદ થવાની શક્યતા નથી, પણ આકાશ વાદળછાયું રહેશે એટલે તાપમાનમાં બહુ વધઘટ નહીં થાય.
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો તપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના મરાઠવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે. અમુક જગ્યાએ તો ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના અનેક ભાગોમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા છે. વિદર્ભના વાશિમ, યવતમાળ, વર્ધા, ભંડારા, ચંદ્રપુર અને ગડચિરોળી જિલ્લામાં સારોએવો વરસાદ થવાની શક્યતા છે એટલે અહીં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. નાગપુર જિલ્લામાં બુધવારે રાત્રે કેટલાંક સ્થળે જોરદાર વરસાદ પડ્યા બાદ ગઈ કાલે સવારે ઝરમર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં વરસાદ થવાની શક્યતા નથી, પણ આકાશ વાદળછાયું રહેશે એટલે તાપમાનમાં બહુ વધઘટ નહીં થાય.