શું બર્થ-ડે ઊજવવા મરાઠી સૉન્ગ ન મળ્યું? અને હિન્દી મેં બોલને સે સિર્ફ ગરીબોં કી પિટાઈ હોતી હૈ જેવા ટોણા માર્યા લોકોએ
ઉદ્ધવ ઠાકરેએ કેક કટ કરી ત્યારે બધાએ ગીત ગાયું ‘બાર બાર દિન યે આએ’.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રવિવારે ૬૫મી વર્ષગાંઠ હતી જેની ઉજવણી તેમના બાંદરા-ઈસ્ટના નિવાસસ્થાન માતોશ્રીમાં રાખવામાં આવી હતી. હવે એ ઉજવણીના વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે અને એમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે કેક કટ કરે છે ત્યારે હિન્દી ફિલ્મનું સુપરહિટ બર્થ-ડે સૉન્ગ ‘બાર બાર દિન યે આએ, બાર બાર દીલ યે ગાએ’ બધા ગાઈ રહ્યા છે. હવે આ વિડિયોને લઈ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ‘હિન્દી મેં બોલને સે સિર્ફ ગરીબોં કી પિટાઈ હોતી હૈ’ એમ એક નેટિઝને લખ્યું છે, તો બીજાએ લખ્યું કે ‘જન્મદિવસની ઉજવણી કરવા પ્લીઝ કોઈ મરાઠી સૉન્ગ બનાવો’. કોઈએ લખ્યું, ‘શું બર્થ-ડે સેલિબ્રેટ કરવા મરાઠી સૉન્ગ ન મળ્યું?’ તો કોઈએ વળી ઠાકરે પરિવારનું સમર્થન કરી સ્પષ્ટતા કરી હતી કે ‘અમે હિન્દીને ધિક્કારતા નથી, તમે મરાઠીને ધિક્કારો છો, આ ઇશ્યુ છે’. આમ ઉદ્ધવની વિરુદ્ધમાં અને તરફેણમાં બન્ને તરફી લોકો તેમના પ્રતિભાવ આપી રહ્યા હતા.


