ફરિયાદો પાછી ખેંચવા માટે પહેલાં પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી, પછી ૧૫ લાખ લેવા તૈયાર થયા હતા
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં સ્કૂલની ઇમારત ગેરકાયદે હોવાની ખોટી ફરિયાદ કરીને અને એને તોડી પાડવાની ધમકી આપીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપમાં થાણે ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ (AEC) દ્વારા RTIના બે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ૪૬ વર્ષના પ્રમોદ ઉર્ફે રાજવીર રાજપૂત અને ૩૮ વર્ષના નારાયણ શર્મા તરીકે થઈ છે. આરોપીઓએ ઘોડબંદર રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજના મૅનેજમેન્ટ પાસે શરૂઆતમાં ફરિયાદ પાછી ખેંચવા માટે પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી અને બાદમાં ૧૫ લાખ રૂપિયા આપવા પર સહમતી થઈ હતી. સ્કૂલના સિનિયર અધિકારી બીરબલ બાંદગરે આ અંગે ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એના આધારે છટકું ગોઠવીને બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
થાણેના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેષ સાળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે આવેલી ફરિયાદની ઝીણવટપૂર્વક તપાસ કરીને ગુરુવારે બપોરે પાચપાખાડીના રવિ કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી પ્રમોદ અને નારાયણ સ્કૂલ-મૅનેજમેન્ટના અધિકારી બીરબલ પાસેથી ૧૫ લાખ રૂપિયાની રોકડ સ્વીકારતા હતા ત્યારે તરત જ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ મામલે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. TMC પાસેથી માહિતી મેળવીને તેમણે RTI દ્વારા મેળવેલા દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી સામે આ પહેલાં પણ આવા ગુના નોંધાયા હોવાની માહિતી સામે આવી છે એટલું જ નહીં, આરોપીના મોબાઇલની તપાસ કરતાં અન્ય લોકો પાસે પણ તેમણે પૈસાની માગણી કરી હોવાનું સામે આવ્યું છે.’
