રામનવમીની પૂર્વસંધ્યાએ અહીંના રામમંદિર પાસે ૬૦૦ જેટલા લોકો વચ્ચે અથડામણ થઈ : રાતે એક વાગ્યે બનેલી આ ઘટનામાં પોલીસે સવારે ચાર વાગ્યે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

ગઈ કાલે નાગપુરમાં રામનવમીની રથયાત્રાના દર્શન કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ
છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક વાગ્યે ૬૦૦ જેટલા લોકોના ટોળાએ પોલીસનાં અને પ્રાઇવેટ વાહનોને આગ ચાંપવાની સાથે પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની હતી. આ વિસ્તારમાં આવેલા રામમંદિરને જોકે આ બનાવમાં કોઈ અસર નહોતી પહોંચી. પોલીસે આ ઘટનાની નોંધ લઈને આગ લગાડવાની સાથે પથ્થરમારો કરનારાઓને ઓળખવાનો પ્રયાસ હાથ ધર્યો છે. સવારના ચાર વાગ્યા બાદથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ૪૦૦થી ૬૦૦ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
છત્રપતિ સંભાજીનગર પોલીસના જણાવ્યા મુજબ બુધવારે રાતના એક વાગ્યે બાઇક પર જઈ રહેલા લોકોએ કિરાડપુર વિસ્તારમાંથી પસાર થતી વખતે સૂત્રોચ્ચાર કર્યો હતો. આથી અહીં હાજર રહેલા લોકો ઉશ્કેરાયા હતા. બંને ગ્રુપના લોકો વચ્ચે પહેલાં શાબ્દિક બોલાચાલી થઈ હતી અને બાદમાં એ હિંસામાં પરિવર્તિત થઈ ગઈ હતી. પોલીસે તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૬૦૦ જેટલા લોકોના ટોળાને પોલીસ કન્ટ્રોલ નહોતી કરી શકી એટલે એ લોકોએ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓનાં ૨૦ વાહનોને આગ ચાંપી હતી અને પથ્થરમારો કર્યો હતો. વધુ પોલીસની ટુકડી આવી પહોંચતાં બધાને વિખેરી નાખવા માટે ટિયરગૅસના સેલ ફોડવામાં આવ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ચાર વાગ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.
છત્રપતિ સંભાજીનગરના પાલક પ્રધાન સંદીપાન ભુમરેએ સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને લોકોને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાતના સમયે બે જૂથ વચ્ચે થયેલી અથડામણને રોકવા માટે પોલીસ કમિશનરથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. રામનવમીનો તહેવાર છે એટલે બધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.
છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ કહ્યું હતું કે ‘કિરાડપુરા વિસ્તારમાં રાતના એક વાગ્યે ૫૦૦થી ૬૦૦ લોકો વચ્ચે અથડામણ થઈ હતી. અહીં રામનું પ્રાચીન મંદિર આવેલું છે એની પાસે જ આ ઘટના બની હતી. રામનવમીનો તહેવાર હતો એટલે મંદિરમાં તૈયારીઓ ચાલતી હતી એ સમયે આ બનાવ બન્યો હતો. જોકે મંદિરમાં કોઈ ઘૂસ્યું નહોતું અને અને એને કોઈ નુકસાન નથી પહોંચ્યું. બનાવ બાદ અમે રાતના સમયે જ કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધી આ મામલામાં કોઈની ધરપકડ નથી કરાઈ.’
છત્રપતિ સંભાજીનગરના એમઆઇએમના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને બીજેપીના પ્રધાન અતુલ સાવેએ લોકોને શાંતિ જાળવી રાખવાના વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. રામમંદિર સલામત હોવાનું તેમણે કહ્યું હતું.
સંભાજીનગરમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રમખાણ કરાવ્યું હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથ અને બીજા વિરોધીઓએ કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સંભાજીનગરમાં બુધવાર રાતે નિર્માણ થયેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે. બધાને નિવેદન છે કે શાંતિ જાળવે. પ્રભુ શ્રી રામનો આજે જન્મદિવસ મનાવી રહ્યા છીએ એવા સમયે સૌએ મર્યાદાનું પાલન કરવું જોઈએ અને શહેરમાં શાંતિ જાળવી રાખવી જોઈએ.’