પાર્ટીના નેતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે રાજ ઠાકરેએ આજે બોલાવી MNSના પદાધિકારીઓની અર્જન્ટ મીટિંગ
રાજ ઠાકરે
નવમી એપ્રિલે ગુઢી પાડવાની જાહેર સભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મહાયુતિને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રાજ ઠાકરેના આ નિર્ણયથી MNSમાં નારાજગી જોવા મળી રહી છે અને પદાધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. રાજ ઠાકરેએ સમર્થન જાહેર કર્યા બાદ મહાયુતિના કેટલાક કાર્યક્રમોમાં રાજ ઠાકરેના ફોટો જોવા મળી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ તેમની અવગણના કરવામાં આવી રહી છે એટલે MNSના પદાધિકારીઓ અને કાર્યકરો પ્રચારમાં જોડાવું કે નહીં એની મૂંઝવણ અનુભવી રહ્યા છે. પદાધિકારીઓની નારાજગી દૂર કરવાની સાથે તેમની મૂંઝવણનો ઉકેલ લાવવા માટે રાજ ઠાકરેએ MNSના રાજ્યભરના નેતા, જનરલ સેક્રેટરી અને પ્રવક્તાઓની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. આ બેઠક ગઈ કાલે સાંજે થવાની હતી, પરંતુ હવે એ આજે સવારે થશે એવું જાણવા મળ્યું હતું.



