ટીએમસીના અધિકારીઓ એના પર તરત ઍક્શન લે છે. ગઈ કાલે સવારે થાણેની લુઇસવાડીમાં ગ્રીન રોડ પર ફુટપાથ પરનું ઢાકણું તૂટેલું હોવાથી એના પર સાવચેતી માટે કોઈએ લાદીના ટુકડા મૂક્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
સરકારી કામ સરકારી ગતિએ જ થાય એવું સામાન્યપણે બનતું હોય છે, પણ ટીએમસી હવે આ બાબતે બહુ જ સજાગ છે અને તરત લોકોની પરેશાની દૂર કરવા ઍક્શન મોડમાં આવી જતી હોવાનું દેખાઈ રહ્યું છે. થાણેમાં કાર્યરત મનસુખ માલદે રસ્તા અને ફુટપાથ પરની ગટરનાં ઢાંકણાં તૂટેલાં હોય તો તરત જ એ જગ્યાનો વિડિયો લઈને ટીએમસીના અધિકારીઓને મોકલી દે છે. એમાં એ સમસ્યા કઈ જગ્યાએ છે એનું ચોક્કસ લોકેશન પણ તે જણાવતા હોય છે. ટીએમસીના અધિકારીઓ એના પર તરત ઍક્શન લે છે. ગઈ કાલે સવારે થાણેની લુઇસવાડીમાં ગ્રીન રોડ પર ફુટપાથ પરનું ઢાકણું તૂટેલું હોવાથી એના પર સાવચેતી માટે કોઈએ લાદીના ટુકડા મૂક્યા હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તેમણે તરત જ ત્યાંનો વિડિયો ટીએમસીને ૯.૦૯ વાગ્યે મોકલ્યો હતો અને નવાઈની વાત એ હતી કે બે જ કલાકમાં ૧૧.૧૨ વાગ્યે ત્યાં ટીએમસીએ નવું ઢાંકણું બેસાડી પણ દીધું હતું. થાણેના લોકો ટીએમસીની આવી ફાસ્ટ ઍક્શનથી ખુશ છે. મનસુખ માલદેએ ઝડપી પગલાં લેવા બદલ ટીએમસીના અધિકારીઓનો આભાર માન્યો હતો.