આવો નિર્ધાર જાહેર કરીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર સૌરભ રાવે સર્વે કરવાનો આદેશ આપ્યો
સંજય ગાંધી નૅશનલ પાર્ક
થાણેના સંજય ગાંધી નૅશનલ પાર્કને લાગીને આવેલા યેઉરના જંગલ વિસ્તારમાં ગેરકાયદે ઊભાં થઈ ગયેલાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ બાંધકામોનો એક મહિનામાં સર્વે કરવામાં આવશે અને એમના પર ઍક્શન લેવામાં આવશે.
યેઉરનાં જંગલોના એ ઇકો-સેન્સિટિવ વિસ્તારોમાં માેડી રાત સુધી પાર્ટીઓ થાય છે, ફટાકડા ફૂટે છે અને લાઉડ મ્યુઝિક વગાડવામાં આવે છે એવી ફરિયાદો મળતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના કમિશનર સૌરભ રાવે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘યેઉરમાં મોટા પાયે ગેરકાયદે કમર્શિયલ કન્સ્ટ્રક્શન ઊભાં થયાં છે. ડિનર, લગ્ન, પાર્ટી થાય છે અને લાઉડસ્પીકર, બૅન્ડ વગાડવામાં આવે છે તથા ફટાકડા પણ મોડી રાત સુધી ફોડવામાં આવે છે. આ બધું જ એન્વાયર્નમેન્ટલી સેન્સિસિવ ઝોનમાં પ્રતિબંધિત છે.’
ADVERTISEMENT
આ બધું રોકવા હવે કમિશનર સૌરભ રાવે એ બાંધકામોનો ઝીણવટભર્યો સર્વે કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે ‘એ બાંધકામના દસ્તાવેજો ચકાસો અને એ પણ ચકાસો કે રેસિડેન્શિયલ પરવાનગી આપી હોય ત્યાં કમર્શિયલ ઍક્ટિવિટી થાય છે કે કેમ? જે ગેરકાયદે કમર્શિયલ બાંધકામ હશે એમને TMC, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ તોડી પાડવાની નોટિસ આપશે. એટલું જ નહીં, જે ગેરકાયદે સ્પોર્ટ્સ ટર્ફ ચાલતી હોય એની સામે પણ ઍક્શન લેવામાં આવશે. યેઉરની પવિત્રતા જાળવવા TMCના ઉચ્ચ અધિકારીઓ, ફૉરેસ્ટ, પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના સભ્યોની એક કો-ઑર્ડિનેશન કમિટી પણ બનાવવામાં આવશે. યેઉરમાં ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવાય.’
બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ૫૪ દીપડા
મુંબઈ-થાણેના ૧૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ૨૦૨૪માં કરવામાં આવેલી ગણતરી મુજબ ૫૪ દીપડા હોવાનું જણાયું છે એમ ગઈ કાલે રાજ્યના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર ગણેશ નાઈકે કહ્યું હતું. વિધાનસભામાં પુછાયેલા સવાલનો જવાબ આપતાં ગણેશ નાઈકે કહ્યું હતું કે ‘દીપડાને અનુકૂળ એવું કુદરતી વાતવરણ મળતાં એની વસ્તીમાં વધારો નોંધાયો છે. સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ૨૦૧૫માં ૩૫, ૨૦૧૭માં ૪૧, ૨૦૧૮માં ૪૭, ૨૦૧૯માં ૪૬ અને ૨૦૨૩માં બાવન દીપડા હતા જેની સંખ્યા ૨૦૨૪માં ૫૪ પર પહોંચી હતી.’

