‘પુષ્પા ઇમ્પૉસિબલ’ તરીકે ઓળખાતાં કુર્લાનાં હંસા જિતિયાએ સમાજસેવા કરતાં-કરતાં દસમાની એક્ઝામ આપી અને પાસ પણ થયાં
હંસા જિતિયા
કુર્લા-વેસ્ટમાં રહેતાં બાવન વર્ષનાં હંસા જિતિયાના પતિને ગળાનું કૅન્સર હોવાથી તેમણે મોત સામે ઘણો સંઘર્ષ કર્યો, છતાં અનેક કઠિનાઈ સહન કરીને જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ખૂબ હતાશામાં જતાં રહેલાં હંસાબહેન સમાજસેવા કરવા આગળ આવ્યાં હતાં. અનેક સામાજિક સંસ્થાઓ સહિત મંડળોમાં સક્રિય રહેલાં હંસાબહેને આશરે ૩૭ વર્ષ બાદ ભણવાનું શરૂ કર્યું હતું. પહેલાં તેમણે સાયનમાં આવેલી નાઇટ-સ્કૂલમાં નવમું ધોરણ ૫૯ ટકાએ પાસ કર્યું અને ત્યાર બાદ નાઇટ-સ્કૂલમાં જઈને બેસ્ટ ઑફ ફાઇવના આધારે ૫૦૦ માર્ક્સમાંથી ૨૨૧ માર્ક્સ લાવીને ૪૪.૨૦ ટકા સાથે દસમું ધોરણ પાસ કર્યું છે. કોઈની આગળ હાથ લંબાવવો ન પડે એટલા માટે પોતાના પગ પર ઊભા રહેવા આગળ પણ તેઓ ભણવાનાં છે.
પતિના મૃત્યુ બાદ હંસાબહેને પોતાનું જીવન સમાજસેવામાં અર્પણ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ મેઘવાળ સમાજમાં સક્રિય કાર્યકર છે. સમાજના અગ્રણી મહિલામંડળનાં તેઓ સભ્ય હોવાની સાથે સફાઈ કામદાર માલિકી ઘર હક સમિતિના દરેક કાર્યમાં સક્રિય છે. સફાઈ-કર્મચારીઓને માલિકીનાં ઘર હક મળે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યાં છે. પરિવારની અંગત મુશ્કેલીઓને કારણે પોતાને પગભર કરવા પોતાનું ધ્યાન શિક્ષણ તરફ વાળ્યું હતું. બોર્ડની એક્ઝામ વખતે પણ પરિવારની અનેક તકલીફો વચ્ચે માનસિક તાણમાં તેમણે સ્ટડી પર ધ્યાન આપ્યું અને દસમા ધોરણની પરીક્ષા આપીને એ પાસ કરી છે. સમાજમાં તેમને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ ઉપમા આપવામાં આવી છે.
ADVERTISEMENT
પતિને કૅન્સર હોવાથી તેમને દોઢ વર્ષ સતત તાતા હૉસ્પિટલમાં લઈ ગઈ છું એમ જણાવીને ભાવુક થયેલાં હંસાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંતિમ દિવસોમાં તેમના નાક, કાન અને આંખમાંથી લોહી નીકળતું હતું. સંઘર્ષ પછી પણ તેઓ બચ્યા નહીં. એ પછી અસહ્ય તકલીફો અને અડચણો સહન કરી છે. ઘરવાળાઓ કરતાં દુઃખના સમયે સમાજના લોકોએ સાથ આપ્યો છે. મેં મારી જાતને સમાજસેવામાં અને મહિલાઓની સમસ્યાઓ દૂર કરવા જેવાં કામોમાં વ્યસ્ત કરી દીધી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી હોવાથી સામાજિક કાર્યમાં વ્યસ્ત હોવા છતાં સ્ટડી પર હંમેશાં ધ્યાન આપ્યું હતું. ૧૯૮૭માં લગ્ન કરવાનાં હોવાથી મને નવમા ધોરણની એક્ઝામ આપવા દીધી નહોતી. એથી ધ્યાન વિદ્યાલય નાઇટ-સ્કૂલમાં જઈને નવમું ધોરણ અને ત્યાર બાદ એ જ સ્કૂલમાં દસમું ધોરણ ભણી છું. આગળ કૉલેજ કરીને મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશ. ભણવા માગતી યુવતીઓ અડચણોને દૂર કરીને પોતાનું લક્ષ્ય નક્કી કરી લે તો ગમે એવા સંજોગોમાં પણ મંઝિલ હાંસલ કરીને રહે છે.’
માર્કશીટ
મરાઠી ૪૫
હિન્દી ૪૪
ઇંગ્લિશ ૫૪
મૅથેમૅટિક્સ ૩૫
સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ૩૯
સોશ્યલ સાયન્સિસ ૩૯


