કેન્દ્રીય એજન્સીએ તેની લગભગ 5 કલાક પૂછપરછ કરી હતી. આ પછી સમીર વાનખેડેએ કહ્યું છે કે આ એકમાત્ર એજન્સી છે જે તેને ન્યાય અપાવી શકે છે

ફાઇલ તસવીર
મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ની CBI દ્વારા શનિવારે (20 મે)ના રોજ પ્રખ્યાત બૉલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ તેની લગભગ 5 કલાક પૂછપરછ કરી હતી. આ પછી સમીર વાનખેડેએ કહ્યું છે કે આ એકમાત્ર એજન્સી છે જે તેને ન્યાય અપાવી શકે છે.
સીબીઆઈ ઑફિસમાંથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું છે કે, “મેં તમામ સવાલોના જવાબ આપ્યા. આજે કેસ સાથે જોડાયેલા દરેક પાસાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તપાસ અધિકારી ખૂબ જ પ્રોફેશનલ હતા. મને સીબીઆઈ પર પૂર્ણ વિશ્વાસ છે. આ એજન્સી મને ન્યાય અપાવી શકે છે." આ પહેલા તેઓ સવારે 11 વાગે સીબીઆઈ ઑફિસ પહોંચ્યા હતા. પછી તેમણે પોતાની સાથે લાવેલા દસ્તાવેજો જમા કરાવ્યા હતા. આ પછી, લગભગ 3 કલાક બાદ તે પણ એકવાર સીબીઆઈ ઓફિસની બહાર પણ આવ્યા હતા.
હાઈકોર્ટમાંથી રાહત
આ મામલામાં તેમને શુક્રવારે (19 મે) બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે વાનખેડેને 22 મે સુધી ધરપકડમાંથી રાહત આપતાં તેમને તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. તે જ સમયે, સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં કહ્યું કે તેમને ન્યાયતંત્ર અને સીબીઆઈમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ફરિયાદ સીબીઆઈ સામે નથી, પરંતુ એનસીબીના અધિકારીઓ અમને નિશાન બનાવી રહ્યા છે.
હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વાનખેડેએ તેની અને આર્યન ખાનના પિતા અને અભિનેતા શાહરૂખ ખાન વચ્ચેની ચેટનો ઉલ્લેખ કર્યો છે. આમાં તેમણે કહ્યું કે આર્યન સાથે કંઈ ખોટું થયું નથી. તેમણે આ ચેટની માહિતી જ્ઞાનેશ્વર સિંહને આપી હતી.
આ પણ વાંચો: હું તમારી પાસે ભીખ માગું છું, હાથ જોડું છું. થોડી દયા રાખો
શું છે મામલો?
સમીર વાનખેડે પર આરોપ છે કે તેમણે આર્યન ખાનને આરોપી ન બનાવવાના બદલામાં 25 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે સીબીઆઈએ વાનખેડે વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. વાનખેડે તેની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની વિનંતી સાથે બોમ્બે હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા. તાજેતરમાં સીબીઆઈએ આ અંગે વાનખેડેના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી, સીબીઆઈએ ગુરુવારે (18 મે) વાનખેડેને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે હાજર રહ્યા નહીં.