સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે આ ચેટ જોડી છે. ચેટમાં એ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આર્યન સાથે કંઈ ખોટું થયું નથી
ફાઇલ તસવીર
પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) પર બૉલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના કેસમાં લાચ માગવાનો આરોપ છે. આ મામલે હવે કિંગ ખાન સાથે વાનખેડેની ચેટ સામે આવી છે. સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે આ ચેટ જોડી છે. ચેટમાં એ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આર્યન સાથે કંઈ ખોટું થયું નથી. સમીર વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેણે સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું.
શાહરૂખ અને સમીર વાનખેડે વચ્ચે શું થઈ હતી ચેટ
ADVERTISEMENT
સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાને તેને મેસેજ કર્યો હતો. ચેટમાં કિંગ ખાને કહ્યું છે કે, “તમે મારા માટે આપેલા તમામ વિચારો અને અંગત માહિતી માટે હું તમારો પૂરતો આભાર માની શકતો નથી. હું સુનિશ્ચિત કરીશ કે તે એવી વ્યક્તિ બને કે જેના પર તમને અને મને બંનેને ગર્વ થઈ શકે છે. આ ઘટના તેના જીવનમાં એક સારો વળાંક સાબિત થશે, હું વચન આપું છું.” ચેટમાં આગળ શાહરૂખ ખાને લખ્યું છે કે, “આભાર, તમે સારા માણસ છો. કૃપા કરીને આજે તેના પર દયા કરો, હું વિનંતી કરું છું.” વાનખેડેએ આના પર લખ્યું છે કે, “બિલકુલ ચિંતા કરશો નહીં.”
ચેટમાં શાહરૂખ વતી આગળ લખવામાં આવ્યું છે કે, “ભગવાન તમારું ભલું કરે, હું તમને અંગત રીતે મળવા અને તમને ગળે લગાડવા માગુ છું. જ્યારે પણ તમારા માટે અનુકૂળ હોય ત્યારે મને કહો. સત્ય એ છે કે મેં હંમેશા તમારું સન્માન કર્યું છે અને હવે તેમાં ઉમેરો થયો છે.” આના પર વાનખેડેએ જવાબ આપ્યો કે, “બિલકુલ, પહેલાં આ બધું પૂરું થાય પછી આપણે મળીએ.”
CBIએ વાનખેડે વિરુદ્ધ FIR નોંધી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
વાનખેડે પર શું છે આરોપ
NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર 3 ઑક્ટોબર 2021ના રોજ ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આરોપી ન બનાવવાના બદલામાં 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. આ આરોપોને કારણે, સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર સામે એફઆઈઆર નોંધી હતી.
આ પણ વાંચો: આર્યન ખાન મામલો: સમીર વાનખેડેએ બૉમ્બે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, શું કહ્યું?
જોકે, વાનખેડેએ હાઈકોર્ટની વેકેશન બેન્ચ સમક્ષ દાખલ કરેલી તેમની અરજીમાં અપીલ કરી છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંબંધમાં તેમની સામે કોઈ બળજબરીભરી કાર્યવાહી કરવામાં ન આવે. વાનખેડેની આ અરજી પર બેન્ચનો નિર્ણય આવવાનો બાકી છે.