૧૧ કાર્યકરોના મોબાઇલ અને દાગીના સેરવી ગયા
MNSના કાર્યકરની ચેઇન સેરવતો આરોપી વિડિયોમાં દેખાઈ આવ્યો હતો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને મહા વિકાસ આઘાડી (MVA)ના પક્ષો દ્વારા યોજાયેલા સત્યાચા મોર્ચામાં સહભાગી થયેલા આશરે ૧૧ કાર્યકરોના ૮ લાખ રૂપિયાના મોબાઇલ અને દાગીના તસ્કરો ભીડનો લાભ લઈને સેરવી ગયા હતા. આ મામલે આઝાદ મેદાન પોલીસે અજ્ઞાત ચોરો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તેમ જ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને સમાચાર માધ્યમો દ્વારા રેકૉર્ડ થયેલા વિડિયોના આધારે આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી છે.
MNSના થાણેના કાર્યકર રૂપેશ સાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે સત્યાચા મોર્ચામાં સહભાગી થવા થાણેના અન્ય કાર્યકરો સાથે હું મોરચાના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં તમામ નેતાઓનું ભાષણ સાંભળ્યા બાદ રાજ ઠાકરેની વૅનિટી વૅન નજીક જઈને તેમને જોવા માટે ઊભો રહી ગયો હતો. ત્યાં (MNS) અને શિવસેના (UBT)ના મારા જેવા બીજા કેટલાક કાર્યકરો પણ નેતાઓને જોવા અને તેમને મળવા ભેગા થયા હતા. આ સમયે બન્ને નેતાઓ આવતાં ભીડ થઈ ગઈ હતી. થોડી વારમાં બન્ને નેતાઓ ત્યાંથી નીકળી ગયા હતા એટલે અમે બધા ઘરે જવા રવાના થયા ત્યારે મેં પહેરેલી આશરે ૩ તોલાની ચેઇન ગળામાં મળી નહોતી. મને એમ કે ગિરદીમાં ત્યાં ક્યાંક પડી ગઈ હશે એટલે અમે બધાએ ચેઇનની શોધ કરી હતી. જોકે એ સમયે મારા જેવા કેટલાક કાર્યકરોની ચેઇન ચોરાઈ હોવાની માહિતી મળી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ અમે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આ મારી મહેનતના પૈસાથી બનાવેલી ચેઇન હતી.’
ADVERTISEMENT
આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રોહિત કાલુબર્મેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર આશરે સાતથી ૮ લોકોના દાગીના અને ૩ લોકોના મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ અમને મળી છે. આ કેસમાં ફરિયાદ નોંધીને આરોપીઓને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.’


