એને પગલે પોલીસ એ નિષ્કર્ષ પર આવી કે બોરીવલી સ્ટેશન પર મળી આવેલી બાળકીને ત્યજી દેવાઈ છે
બોરીવલી રેલવે-સ્ટેશન પર મળેલી દોઢ વર્ષની બાળકી અને જે મહિલા તેને મૂકી ગઈ હતી એની તસવીર.
બોરીવલી રેલવે-સ્ટેશન પર દોઢ વર્ષની બાળકીને મૂકીને જતી રહેલી મહિલા વિરુદ્ધ બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકી વિશે પ્રાથમિક માહિતી જાણવા GRPએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં પ્લૅટફૉર્મ નંબર બે પર એક મહિલા બાળકીને મૂકતી જોવા મળી હતી. એ પછી મહિલા વિરાર જતી ટ્રેનમાં ચડી ગઈ હતી. હાલમાં બાળકીને અંધેરીની એક સંસ્થાને સોંપવામાં આવી છે.
એ બાળકી છેલ્લા પાંચ દિવસથી રડી-રડીને મમ્મી વિશે સંસ્થાના પદાધિકારીઓને પૂછપરછ કરી રહી છે એમ જણાવતાં બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તા ખુપેરકરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘બોરીવલીના પ્લૅટફૉર્મ નંબર બે પરથી ૪ સપ્ટેમ્બરે બપોરે અઢી વાગ્યે નિશા ઠાકુર નામની એક મહિલા પ્રવાસીને એક બાળકી રડતી જોવા મળી હતી. તેણે સ્ટેશન પર હાજર અમારા કૉન્સ્ટેબલને બાળકી વિશે માહિતી આપી હતી. એ પછી બાળકીને અમારી ચોકીમાં લાવવામાં આવી હતી. બાળકી ખૂબ રડતી હોવાથી અમારા અધિકારીઓ ભાવુક થઈ ગયા હતા. એ પછી તમામ અધિકારીઓએ અલગ-અલગ ટીમ બનાવીને બાળકીની મમ્મીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અમારી એક ટીમ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહી હતી, જ્યારે બાકીની ટીમ બીજાં રેલવે-સ્ટેશનો પાસેથી માહિતી મેળવી રહી હતી કે આ બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ મળી છે કે નહીં. એ દિવસે તો રાતે ૧૦ વાગ્યા સુધી બાળકીની મમ્મીની શોધખોળ કરવામાં આવી હતી. એ દરમ્યાન CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતી ટીમને એક મહિલા બાળકીને પ્લૅટફૉર્મ પર મૂકતી જોવા મળી હતી. અમે એ ફુટેજ બાળકીને બતાવ્યું ત્યારે એ જોઈને તે મમ્મી-મમ્મીની બૂમ પાડીને રડવા માંડી હતી. ત્યાર બાદ અમને સમજાયું કે તેની મમ્મીએ તેને જાણીજોઈને રેલવે-સ્ટેશન પર મૂકી દીધી હતી એટલે અમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.’
ADVERTISEMENT
બાળકીની મમ્મીને શોધવા માટે અમારી એક ટીમ સતત કામ કરી રહી છે એમ જણાવતાં દત્તા ખુપેરકરે ઉમેર્યું હતું કે ‘જે મહિલા તેને રેલવે-સ્ટેશને મૂકીને ગઈ હતી તેની ઓળખ હજી સુધી થઈ શકી નથી. અમે મુંબઈ ઉપરાંત બીજાં રેલવે અને સિટી પોલીસ-સ્ટેશનોને બાળકી અને તેની મમ્મીની માહિતી મોકલી છે. આ કેસમાં હાલમાં અમને કશું હાથ નથી લાગ્યું.’