લાલબાગના જૈન દેરાસરમાંથી ભગવાનનાં પોણાબે કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો તફડાવનારો ચોર છેક મધ્ય પ્રદેશથી પકડાયો
લાલબાગના દેરાસરમાંથી પોણાબે કરોડ રૂપિયાનાં ભગવાનનાં આભૂષણો ચોરી ગયેલો જિતેન્દ્ર મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લા પોલીસ-સ્ટેશનમાં મુંબઈ પોલીસ સાથે.
કરી રોડના વન અવિઘ્ન પાર્ક હાઉસિંગ કૉમ્પ્લેક્સના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી રવિવારે મોડી રાતે પોણાબે કરોડ રૂપિયાનાં ભગવાનનાં આભૂષણો અને સોના તથા હીરાનાં ઘરેણાં ચોરી કરીને મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાં ભાગી ગયેલા ચંબલ પ્રદેશના રીઢા ગુનેગાર ૩૪ વર્ષના જિતેન્દ્ર ઉર્ફે જિતન ઉર્ફે બન્ટી ઉર્ફે પંડિત ભગવતી પ્રસાદ નગાઇચની કાલાચૌકી પોલીસે ધરપકડ કરી હતી. જિતેન્દ્ર સામે મધ્ય પ્રદેશ પોલીસનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ, ચોરી, લૂંટ, આર્મ્સ ઍક્ટ જેવા ૧૮ ગંભીર ગુના નોંધાયેલા છે. મુંબઈ પોલીસે જિતેન્દ્રને પકડવા માટે બસોથી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. જોકે જિતેન્દ્ર જે હોટેલમાં ઊતર્યો હતો ત્યાંનું બિલ તેના મોબાઇલથી ઑનલાઇન ચૂકવાતાં પોલીસને તેનો મોબાઇલ-નંબર મેળવવામાં સફળતા મળી હતી. એના આધારે લોકેશન શોધીને કાલાચૌકી પોલીસની ટીમો મધ્ય પ્રદેશ પહોંચી હતી અને ત્યાંથી તેના એક સગાની ટેરેસ પરથી તેની ધરપકડ કરી હતી.
વન અવિઘ્ન પાર્કના પરિસરમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનું દેરાસર આવેલું છે. મૂર્તિને સોના અને હીરાનાં આભૂષણોથી શણગારવામાં આવી હતી. દેરાસર દરરોજ સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવે છે અને ૩ પૂજારીઓ દ્વારા રાત્રે ૯ વાગ્યે બંધ કરવામાં આવે છે. આ દેરાસરનો પૂજારી ક્રિષ્ના સોમવારે વહેલી સવારે તેના નિત્યક્રમ પ્રમાણે દેરાસરમાં ગયો ત્યારે તેણે દેરાસરનો દરવાજો તૂટેલો જોયો હતો. તેને કોઈ અણબનાવ બન્યાની શંકા જતાં તરત જ મંદિરના ટ્રસ્ટના ડિરેક્ટર રશ્મિ શાહને આ બાબતની જાણ કરી હતી. તેમણે તરત જ ટાવરમાં રહેતા અને દેરાસરનું સંચાલન કરતા ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ મેમ્બર જયેશ જૈનને આ બનાવની જાણકારી આપી હતી. તપાસ કરતાં તેમને દેરાસરના ભગવાનને આંગી કરેલાં સોના અને હીરાજડિત ૧.૭૫ કરોડ રૂપિયાનાં આભૂષણો-ઘરેણાં ગાયબ થયાં હોવાની જાણ થઈ હતી. તરત જ તેમણે કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ કેવી રીતે થઈ?
જૈન દેરાસરનું તાળું તોડીને દેરાસરમાં ઘૂસીને ભગવાનની મૂર્તિ પર ચડાવવામાં આવેલાં પોણાબે કરોડ રૂપિયાનાં સોના અને હીરાજડિત આભૂષણોની ચોરીની ફરિયાદ નોંધ્યા પછી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમે અમારી તપાસ શરૂ કરી હતી એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયકુમાર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરના સંચાલક જયેશ જૈનની ફરિયાદ પછી અમે ઝોન ૪ના ડેપ્યુટી પોલીસ-કમિશનર દ્વારા ઉચ્ચ પોલીસ-અધિકારીઓની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને તપાસની શરૂઆત કરી હતી. તપાસ દરમ્યાન બસોથી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ પરથી આરોપી જિતેન્દ્રની તસવીર અને તેના આવવા-જવાના માર્ગની જાણકારી મેળવી હતી. જિતેન્દ્ર જે હોટેલમાં રહ્યો હતો ત્યાંનું બિલ તેણે ઑનલાઇન ચૂકવતાં અમને તેનો મોબાઇલ-નંબર મળી ગયો હતો. મોબાઇલના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ અને ટેક્નિકલ વિશ્લેષણના આધારે તે મધ્ય પ્રદેશમાં ગયો હોવાની જાણકારી મળી હતી. તરત જ મુંબઈ પોલીસની ૩ ટીમો બનાવીને બે ટીમોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી હતી. જોકે જિતેન્દ્રને પોલીસ તેની પાછળ પડી છે એ માહિતી મળી જતાં તેણે તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જોકે તેના અંતિમ લોકેશનના આધારે તેની બહેન કલ્પનાની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પહેલાં તો તેણે જિતેન્દ્ર વિશે કોઈ જાણકારી આપી નહોતી, પણ ત્યાર પછી જિતેન્દ્ર મુદ્દામાલ સાથે નેપાલ ભાગી જવાનો છે એવી અમને તેણે માહિતી આપી હતી. આથી નેપાલ જતી બસો પર નજર રાખવામાં આવી હતી, પણ જિતેન્દ્ર તેના કોઈ સગાના ઘરની છત પર છુપાયો હોવાના સમાચાર મળતાં તરત જ ત્યાં ઘેરાબંધી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી.’
ચોરીના માલ સાથે ધરપકડ
જિતેન્દ્ર પાસેથી તેણે દેરાસરમાંથી ચોરેલાં ભગવાનનાં સોનાનાં અને હીરાજડિત આભૂષણો તથા ઘટના સમયે પહેરેલાં કપડાં મળી આવ્યાં હતાં એમ જણાવીને વિજયકુમાર શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘પૂછપરછ દરમ્યાન તેની ગુનામાં સંડોવણી સાબિત થઈ જતાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તેની વિધિવત્ ધરપકડ કરવામાં આવી હતી. જિતેન્દ્ર એક રીઢો ગુનેગાર છે અને તેની સામે મધ્ય પ્રદેશનાં પોલીસ-સ્ટેશનોમાં ૧૮થી વધુ ગંભીર મામલાઓ નોંધાયેલા છે.’
