‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ ફિલ્મની ફ્રૅન્ચાઇઝીમાં વધુ એક મરાઠા યોદ્ધાની વાર્તા રજૂ કરવાની યોજના બનાવાઈ રહી છે
‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ મરાઠા સુબેદાર તાન્હાજી માલુસરેના જીવન પર આધારિત હતી
અજય દેવગને ગઈ કાલે પોતાની ૫૬મી વર્ષગાંઠ ઊજવી અને આ પ્રસંગે તેની આગામી ફિલ્મનું આયોજન કન્ફર્મ કરવામાં આવ્યું હોવાના રિપોર્ટ છે. થોડા સમય પહેલાં આવેલી અજયની ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને સારી એવી સફળતા મળી હતી અને હવે આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝીમાં વધુ એક મરાઠા યોદ્ધાની વાર્તા રજૂ કરવાની યોજના બનાવાઈ રહી છે, જેમાં અજય મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.
૨૦૨૦માં રિલીઝ થયેલી ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ મરાઠા સુબેદાર તાન્હાજી માલુસરેના જીવન પર આધારિત હતી. ફિલ્મના પ્રમોશન દરમ્યાન નિર્દેશક ઓમ રાઉતે જણાવ્યું હતું કે તેની અને અજયની યોજના ‘ધ અનસંગ વૉરિયર’ ફ્રૅન્ચાઇઝી હેઠળ મરાઠા યોદ્ધાઓના જીવન પર આવી વધુ ફિલ્મો બનાવવાની છે. જોકે ત્યાર બાદ આ ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. હવે મળતી માહિતી મુજબ આ ફ્રૅન્ચાઇઝીની નવી ફિલ્મ માટેની વાર્તા નક્કી કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ ડિરેક્ટર ઓમ રાઉતે અજયને એક મરાઠા યોદ્ધાની વાર્તા સંભળાવી છે. જોકે હજી સુધી એ માહિતી સામે આવી નથી કે આ વાર્તા કયા યોદ્ધા પર આધારિત છે.
