અચાનક ફ્લાઇટ ચાર કલાક પ્રીપૉન્ડ થતાં જેસલમેર ગયેલો પુત્ર મમ્મીના અંતિમ સંસ્કાર માટે આખરે મુંબઈ પહોંચી શક્યો હતો

સંજય દોશી અને તેમનાં મમ્મી જાસુદબહેન કાંતિલાલ દોશી.
બિઝનેસમૅન સંજય દોશી પિતા કાંતિલાલ અને માતા જાસુદબહેન સાથે મુલુંડમાં રહે છે. રાજસ્થાનના ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગમાં સંજય દોશી પત્ની સાથે ગયા હતા. લગ્નનું ફંક્શન પૂરું થઈ ગયા બાદ તેઓ જેસલમેર ફરવા ગયા હતા. અહીંથી તેઓ ૧૫ જાન્યુઆરીએ બપોરના ૩.૫૦ વાગ્યાની ફ્લાઇટમાં મુંબઈ આવવાના હતા. જોકે એ દિવસે વહેલી સવારે માતા જાસુદબહેનનું અવસાન થયું હોવાના સમાચાર તેમના ભાઈએ આપ્યા હતા. સંજયભાઈએ વહેલી તકે મુંબઈ પહોંચવા માટેના તમામ વિકલ્પો ચકાસ્યા હતા, પરંતુ ગમે એમ કરીને પણ તેઓ રાત પહેલાં મુંબઈ પહોંચે એવી શક્યતા નહોતી. આથી તેમણે ગણતરીની મિનિટો પહેલાં જ મૃત્યુ પામનારા માતાને ઠપકો આપ્યો હતો કે ‘હું તમારી પાસે નથી ત્યારે તમે કેમ ચાલ્યા ગયા? એવી જગ્યાએ છું જ્યાંથી હું તમારી અંતિમક્રિયામાં પણ નહીં પહોંચી શકું. તમારા મારા પર ઘણા ઉપકાર છે. તમે એવું કંઈક કરો જેથી હું સમયસર મુંબઈ પહોંચી શકું.’
સંજયભાઈના આ પ્રાર્થનારૂપી ઠપકાની પાંચ જ મિનિટમાં તેમને સ્પાઇસજેટ તરફથી મેસેજ આવ્યો હતો કે તેમની બપોરની ૩.૫૦ વાગ્યાની ફ્લાઇટ સવારના ૧૦.૨૦ વાગ્યાની કરવામાં આવી છે એટલે ફ્લાઇટ ડિપાર્ટ થવાના ૬૦ મિનિટ પહેલાં ઍરપોર્ટ પહોંચો. મેસેજ જોઈને સંજયભાઈ ઊછળી પડ્યા હતા. એ સમયે તેઓ સામ ડેઝર્ટમાં હતા એટલે ૭૦ કિલોમીટર દૂર આવેલા જેસલમેર ઍરપોર્ટ પર જવા કારમાં નીકળ્યા હતા અને બપોરના ૧૨.૪૦ વાગ્યે તેઓ મુલુંડમાં તેમના ઘરે પહોંચી ગયા હતા.
મમ્મીના અવસાનના સમાચાર મળ્યા
૧૪ જાન્યુઆરીએ સંજયભાઈનાં પત્નીનો બર્થ-ડે હતો એટલે તેમણે સામ ડેઝર્ટમાં રાત્રે બર્થ-ડેની ઉજવણી કરી હતી અને સૂઈ ગયા હતા. સવારના પાંચ વાગ્યે તેના ભાઈનો કૉલ આવ્યો કે મમ્મી ગયાં. મમ્મીનું સવારે અવસાન થયું છે અને પોતાની ફ્લાઇટ બપોરના ૩.૫૦ વાગ્યાની છે. જેસલમેરની આ ફ્લાઇટ મોટા ભાગે દોઢથી બે કલાક મોડી રહે છે એટલે સાંજ સુધી મુંબઈ પહોંચવાનું મુશ્કેલ થશે. મમ્મીના મૃતદેહને આખો દિવસ રાખવામાં અગવડ થશે એટલે ભાઈઓ બીજા સંબંધીઓની હાજરીમાં તેમની અંતિમક્રિયા કરી નાખશે અને પોતે એમાં પહોંચી નહીં શકે એવો અફસોસ સંજયભાઈ કરવા લાગ્યા હતા.
એક વિનંતી કામ કરી ગઈ?
સંજયભાઈનો તેમનાં માતા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો એટલે તેઓ તેમની ગેરહાજરીમાં છોડીને જતાં રહ્યાં હતાં એટલે સંજયભાઈએ મમ્મીના અવસાનના સમાચાર જાણ્યા બાદ તેમને ઠપકો આપવાની સાથે વિનંતી કરી હતી કે આવી સ્થિતિમાં હું મુંબઈ કેવી રીતે પહોંચીશ? સંજયભાઈએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં આંખ બંધ કરીને માતાને વિનંતી કરવાની સાથે રીતસર ઝઘડો કર્યો હતો કે તમે આવું કેમ કર્યું? મારો શું વાંક છે કે હું દૂર છું ત્યારે તમે જતાં રહ્યાં? હવે મુંબઈ કેવી રીતે પહોંચીશ? આ સમયે મારા કાનમાં શબ્દો પડ્યા હતા કે પાંચ મિનિટ થોભ. મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે કોઈક રસ્તો કાઢો. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ મિનિટ બાદ મારા મોબાઇલમાં સ્પાઇસજેટ ઍરલાઇન્સનો મેસેજ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે તમારી બપોરે ૩.૫૦ વાગ્યાની મુંબઈની ફ્લાઇટ સવારના ૧૦.૨૦ વાગ્યાની કરવામાં આવી છે. આથી ફ્લાઇટ ઊપડવાની ૬૦ મિનિટ પહેલાં હું ઍરપોર્ટ પહોંચો હતો.’
સુખદ આંચકો લાગ્યો
આ પણ વાંચો:કુછ તો ગડબડ હૈ
ઍરલાઇન્સનો મેસેજ જોયા બાદ સંજયભાઈ ઊછળી પડ્યા હતા. તેમણે એક પણ મિનિટ બગાડ્યા વિના ડ્રાઇવરને કૉલ કરીને તાત્કાલિક હોટેલ બોલાવ્યો હતો અને પત્ની સાથે સામ ડેઝર્ટથી જેસલમેર ઍરપોર્ટ જવા નીકળી ગયા હતા. ઍરપોર્ટ પર મુંબઈની ફ્લાઇટમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો કોઈ મેસેજ નહોતો. એનું અનાઉન્સમેન્ટ પણ નહોતું કરાતું એટલે નક્કી કંઈક કાચું કપાયું હોવાનું તેમને લાગ્યું. જોકે થોડી વાર બાદ મુંબઈની ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ કરાતાં સંજયભાઈને લાગ્યું કે મેસેજ બરાબર છે એટલે તેઓ ફ્લાઇટમાં બેસી ગયા હતા. એ સમયે ફ્લાઇટમાં ગણ્યાગાંઠ્યા પ્રવાસીઓ જ હતા. ફ્લાઇટ ૧૦.૧૫ વાગ્યે જેસલમેરની ટેક-ઑફ કરીને ૧૧.૫૫ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પહોંચી હતી અને અહીંથી સંજયભાઈ ૧૨.૪૦ વાગ્યે તેમના મુલુંડના ઘરે પહોંચી ગયા હતા. ૩.૩૦ વાગ્યે મમ્મીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એમાં તેઓ સામેલ થઈ શક્યા હતા.
કુદરતી સંકેતથી કાર ન છોડી
સંજયભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે હું ખોટો ખર્ચ કરવાનું ટાળું છું એટલે ૧૪ જાન્યુઆરીએ સામ ડેઝર્ટની ટ્રિપ પૂરી થઈ ગઈ ત્યારે અમે જે કાર ભાડે રાખી હતી એના ડ્રાઇવરે મને કાર છોડી દેવાની સલાહ આપી હતી, જેથી બીજા આખા દિવસના ૩૦૦ કિલોમીટરના રૂપિયા મારે ચૂકવવા ન પડે. પહેલાં તો મેં તેની સલાહ માની લીધી હતી. જોકે મને અંદરથી લાગ્યું હતું કે છ દિવસથી આ ડ્રાઇવર અમારી સાથે છે અને તેણે ખૂબ સારી રીતે કામ કર્યું છે એટલે થોડા રૂપિયા બચાવવા માટે તેને છોડવો યોગ્ય નથી. આથી મેં તેને કહ્યું કે ભલે આખા દિવસનું કારનું ભાડું લાગે, તું અહીં રોકાજે અને આવતી કાલે ઍરપોર્ટ મૂકી જજે. બીજા દિવસે સવારના ફ્લાઇટ પ્રીપૉન્ડ કરવામાં આવી હતી અને ઍરપોર્ટ ૯.૩૦ વાગ્યે પહોંચવાનું હતું. જો મેં ડ્રાઇવરને છોડી દીધો હોત તો સામ ડેઝર્ટમાં નવ વાગ્યા પહેલાં કોઈ કારવાળો ન મળત અને અમે ઍરપોર્ટ પહોંચી શક્યા ન હોત. કુદરતી સંકેતથી જ મેં તેને રોકી રાખ્યો અને મમ્મીની અંતિમક્રિયામાં સમયસર મુંબઈ પહોંચી શક્યો. મમ્મીના આશીર્વાદ વિના આ શક્ય ન બનત. મમ્મીને ગયાને આજે ૧૩ દિવસ થઈ ગયા છે, પણ મને લાગે છે કે તેઓ હજી પણ અમારી આસપાસ છે અને માર્ગદર્શન આવી રહ્યાં છે.’