ન કોઈ ઓટીપી આવ્યો, ન કોઈ ફોન આવ્યો અને બોરીવલીની કિશોરીએ એમબીએના અભ્યાસ માટે બચાવેલા પૈસા સાઇબર ગઠિયાઓએ તેના બૅન્ક-ખાતામાંથી ઉપાડી લીધા

પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતી ૨૨ વર્ષની યુવતીએ એમબીએના અભ્યાસ માટે બૅન્કમાં પૈસા રાખ્યા હતા જે સાઇબર ગઠિયાઓએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ કેસમાં મહત્ત્વની વાત એ છે કે યુવતીને ન કોઈ ઓટીપી આવ્યો હતો અને ન તો કોઈનો ફોન આવ્યો હતો. યુવતીનું સિમ કાર્ડ એકાએક બંધ થઈ ગયું હતું જે તેણે બીજું લઈને ચાલુ કરાવ્યું ત્યારે તેના ખાતામાંથી ૨.૬૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
બોરીવલીમાં ટીપીએસ રોડ પરની એક સોસાયટીમાં રહેતી અને પવઈની એક કૉલેજમાં અભ્યાસ કરતી પ્રણાલી કોઠારીએ કરેલી ફરિયાદ અનુસાર આશરે છ વર્ષ પહેલાં તેણે બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું. એમાં મ્યુચ્યુઅલ ફન્ડના આવેલા ૩.૮૮ લાખ રૂપિયા ભેગા થયા હતા. આ પૈસા તેણે એમબીએના અભ્યાસ માટે રાખ્યા હતા. ૨૧ મેએ એકાએક તેનું સિમ કાર્ડ બંધ થઈ ગયું હતું એટલે તેણે ૨૨ મેએ નવું સિમ કાર્ડ લઈને ચાલુ કરાવ્યું હતું. દરમિયાન તેના અકાઉન્ટમાંથી ૧.૯૦ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની તેને ઈ-મેઇલ આવી હતી. એ સાથે જ થોડી વારમાં ૭૫,૦૦૦ રૂપિયા પણ ઊપડી ગયા હોવાની તેને જાણ થઈ હતી. ત્યારે તેને અકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોવાનું સમજાતાં બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ કેસની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ફરિયાદીના પૈસા કાઢવા માટે થર્ડ પાર્ટી ઈ-મેઇલ કરીને લિમિટ વધારવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’