° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


વાંદરાના ત્રાસને દૂર કરવા ફૉરેસ્ટ ઑફિસર આજે ઘાટકોપર આવશે

14 January, 2022 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં એક વાંદરાએ મંગળવારે સાંજના છ વાગ્યે એક બિલ્ડિંગની રૂમમાં ઘૂસીને એક સિનિયર સિટિઝન મહિલાને બટકાં ભરી લેતાં આ વિસ્તારના રહેવાસીઓ ભયભીત બની ગયા છે.

વાંદરાના ત્રાસને દૂર કરવા ફૉરેસ્ટ ઑફિસર આજે ઘાટકોપર આવશે

વાંદરાના ત્રાસને દૂર કરવા ફૉરેસ્ટ ઑફિસર આજે ઘાટકોપર આવશે

મુંબઈ ઃ ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં એક વાંદરાએ મંગળવારે સાંજના છ વાગ્યે એક બિલ્ડિંગની રૂમમાં ઘૂસીને એક સિનિયર સિટિઝન મહિલાને બટકાં ભરી લેતાં આ વિસ્તારના રહેવાસીઓ ભયભીત બની ગયા છે. આ બાબતની મુંબઈ રીજનના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રહેવાસીઓએ કરેલી ફરિયાદ પછી આ વાંદરાના ત્રાસમાંથી મુક્ત કરવા આજે સાંજના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કામા લેન પહોંચશે. ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેન, હાંસોટી લેન અને બારોટવાડીના આસપાસના વિસ્તારોમાં એક વાંદરાએ છેલ્લા બે મહિનાથી તરખાટ મચાવી દીધો છે. આ વાંદરો સાંજના જ મેદાનમાં ઊતરે છે અને રહેવાસીઓને હેરાનપરેશાન કરી મૂકે છે. મંગળવારે આ વાંદરો હાંસોટી લેનમાં આવેલા એક બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. આ બિલ્ડિંગ નળિયાવાળું છે. એમાં પહેલા માળે નીલાબહેન જગડ એકલાં રહે છે. મંગળવારે સાંજે નીલાબહેન તેમના રસોડામાં કામ કરતાં હતાં ત્યારે આ વાંદરો તેમના રસોડામાં ઘૂસી ગયો હતો. નીલાબહેન એને બહાર કાઢવા માટે હટ-હટ કરતાં હતાં ત્યાં જ વાંદરાએ નીલાબહેન પર હુમલો કરીને તેમના હાથ-પગમાં બટકાં ભરી લીધાં હતા, જેનાથી નીલાબહેન એકદમ ગભરાઈ ગયાં છે. તેઓ એકલાં હોવાથી પાડોશીઓ તેમની મદદે આવી ગયા હતા. આ બનાવના પંદર દિવસ પહેલાં આ જ વિસ્તારમાં રહેતી ઍનિમલ લવર રૂપા પીપળિયા રસ્તાથી પર જઈ રહી હતી ત્યારે તેના ખભા પર આ વાંદરો બેસી ગયો હતો. રૂપાએ ચીસ પાડતાં એ રૂપાને ઈજા કર્યા વગર જ ભાગી ગયો હતો. આ અગાઉ ૨૦૧૯માં ડિસેમ્બરમાં ઘાટકોપર (ઈસ્ટ)ના રાજાવાડીમાં આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનમાં મૉર્નિંગ વૉક માટે ગયેલી ૧૩ વર્ષની નવમા ધોરણમાં ભણતી જિયા શાહને એક નાના વાંદરાએ હાથના નખથી ઈજા પહોંચાડી હતી. આ બનાવથી જિયા ગભરાઈ ગઈ હતી અને આ વિસ્તારમાં ઊહાપોહ મચી ગયો હતો. જોકે એ સમયે કોઈએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે મહાનગરપાલિકામાં ફરિયાદ કરી નહોતી.
બે વર્ષ પહેલાં અચાનક ૧૨થી ૧૫ વાંદરાઓનો એક પરિવાર વિદ્યાવિહાર (ઈસ્ટ)ની ચિત્તરંજન કૉલોનીમાં આવી ગયો હતો. આ પરિવારે નજદીકના બંગલાઓને ટાર્ગેટ કર્યા હતા. બંગલાઓની ટેરેસ પર, બારીમાં જઈને વાંદરાઓ સ્થાનિક રહેવાસીઓને હેરાન કરતા હતા. આ બાબતની સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા અને વાઇલ્ડ ઍનિમલની સંસ્થાઓમાં ફરિયાદો કરીને મદદ માગી હતી પરંતુ સ્થાનિક રહેવાસીઓ એમાં સફળ થયા નહોતા. ત્યાર પછી રહેવાસીઓ તેમના ઘરના દરવાજા, બાલ્કનીના દરવાજા બધું બંધ રાખીને તેમની પોતાની સુરક્ષા કરતા હતા. ધીરે-ધીરે વાંદરાઓ નાના-નાના ગ્રુપમાં આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા. ત્યાર પછી આ વાંદરાઓ ચિત્તરંજન કૉલોનીથી લઈને છેક કામા લેન સુધી ફેલાઈ ગયા હતા. ક્યારેક રોડ પર દેખાય છે તો ક્યારેક મહિનાઓ સુધી ગુમ થઈ જાય છે. જિયાના બનાવમાં તો જિયા ગાર્ડનમાં તેના મોબાઇલમાં ઇઅરફોન રાખીને ગીતો સાંભળવામાં મશગૂલ હતી ત્યારે તેની આગળ-પાછળ પાંચ-છ વાંદરાઓ ફરતા હતા. જિયા સાવધાન થઈ ગઈ હતી. આમ છતાં એમાંથી એક નાના વાંદરાએ પાછળથી આવીને જિયા પર હુમલો કર્યો હતો અને જિયાના પગમાં નખોરિયાં ભરી લીધાં હતાં. 
ઘાટકોપર અને વિદ્યાવિહારમાં વાંદરાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે. આ ત્રાસ એટલી હદે વધી ગયો છે કે અત્યાર સુધી ઘરોમાં મચ્છરો, ઉંદરો અને પક્ષીઓથી બચવા માટે સેફ્ટી જાળી નાખવામાં આવી હતી, હવે વિદ્યાવિહારની ચિત્તરંજન કૉલોનીમાં વાંદરાથી બચવા માટે જાળી નાખવામાં આવી રહી છે એટલું જ નહીં; વાંદરાઓ ફટાકડાથી ડરતા હોવાથી લોકો તેમના ઘરમાં ફટાકડા રાખવા લાગ્યા છે. વાંદરાઓ આવતાં જ લોકો ફટાકડા ફોડીને વાંદરાઓને તો ભગાડે છે એની સાથે અન્ય રહેવાસીઓને પણ કૉલોનીમાં વાંદરાઓ આવ્યા એની જાણકારી મળી જાય છે. વનવિભાગમાંથી પણ વાયદાઓ થાય છે, પણ વાંદરાઓને પકડીને કોઈ લઈ જતું નથી. અમને પણ હવે કોઈ બીજો મારગ સૂઝતો નથી. (આવું કોણ કહે છે?)
અમારી ફરિયાદને ગંભીરતાથી લઈને ‘મિડ-ડે’એ મુંબઈ રીજન ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાંદરાના ત્રાસની વાત કરી હતી એમ જણાવતાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘અમારી અને ‘મિડ-ડે’ની વાત સાંભળ્યા પછી અમને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ઘાટકોપરનો ચાર્જ સંભાળી રહેલા ફૉરેસ્ટ ઑફિસરે કહ્યું છે કે તેઓ આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ અમારા વિસ્તારમાં ત્રાસ ફેલાવી રહેલા વાંદરાને પકડવા માટે આવશે.’

14 January, 2022 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK