તેણે સીટબેલ્ટ પહેર્યો ન હોવાથી ઍડ્વોકેટે વાંધો ઉઠાવ્યો : આખરે ડ્રાઇવરને દંડ કરવામાં આવ્યો
ફાઈલ ફોટો
મુંબઈ ઃ ટ્રાફિકના નિયમો વાહનચાલકો યોગ્ય રીતે પાળે એ માટે પોલીસનો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ઝડપી કાર્યવાહી કરતો હોય છે. એમાં પણ પાર્ક ન કરવાની જગ્યાએ વાહન પાર્ક કર્યું હોય ત્યારે એ ઉપાડવામાં એ લોકો સહેજ પણ મોડું કરતા નથી અને આવા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરે છે. જોકે એ કાર ઉપાડતી ટોઇંગ વૅનનો ડ્રાઇવર ટ્રાફિકના નિયમો પાળતો ન હોવાથી તેને જ દંડ ફટકારાયો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. જોકે એવું બુધવારે બાંદરામાં બન્યું હતું.
ઍડ્વોકેટ સચિન આડકર તેમના કામને લઈને અનેક સરકારી ઑફિસોની મુલાકાત લેતા હોય છે. બુધવારે તેઓ બાંદરા-ઈસ્ટના કલાનગરમાં આવેલી મ્હાડાની ઑફિસે ગયા હતા. એ ઑફિસમાંથી બહાર આવ્યા બાદ તેમણે જોયું કે પાસે જ એક ટોઇંગ વૅન ઊભી હતી અને એના ડ્રાઇવરે સીટબેલ્ટ નહોતો પહેર્યો. વળી તેની સાથે ટ્રાફિક પોલીસનો કૉન્સ્ટેબલ પણ હતો. એથી તેમણે એ ટોઇંગ વૅન રોકીને કૉન્સ્ટેબલને જ પૂછ્યું કે કેમ ડ્રાઇવરે સીટબેલ્ટ નથી પહેર્યો? તો તેણે કહ્યું કે એ તો તેણે ઘડીએ-ઘડીએ વૅન રોકવી પડે અને ઊતરવું પડે એટલે નથી પહેર્યો. કૉન્સ્ટેબલનો આવો ઉડાઉ જવાબ સાંભળીને ઍડ્વોકેટ સચિન આડકરે મક્કમતાથી કહ્યું કે વેહિકલ ડ્રાઇવ કરતી વખતે સીટબેલ્ટ પહેરવો એ નિયમ છે અને ટોઇંગ વૅનના ડ્રાઇવરે એ નથી પહેર્યો માટે તેને દંડ કરો. જોકે શરૂઆતમાં તો કૉન્સ્ટેબલે તેમને દાદ ન આપી. સચિન આડકરે ત્યાર બાદ કહ્યું કે તેમનો ફોટો તે મુંબઈ પોલીસના ‘એક્સ’ હૅન્ડલ પર મૂકી દેશે. ત્યારે તે થોડો નરમ પડ્યો અને પછી જ્યારે ખબર પડી કે સામે એક ઍડ્વોકેટ છે ત્યારે આખરે તેણે નમતું જોખ્યું અને વૅનમાંથી નીચે ઊતરીને ડ્રાઇવરને ૨૦૦ રૂપિયાના દંડનું ચલાન આપ્યું હતું.
ઍડ્વોકેટ સચિન આડકરે આ બાબતે કહ્યું હતું કે ‘કોઈ પણ કાયદો કે નિયમ ફક્ત સામાન્ય જનતા માટે જ નથી હોતો. બધાએ એનું પાલન કરવાનું હોય છે. એ કાયદાનું પાલન કરાવતી સંબંધિત એજન્સીઓ જ એનું પાલન ન કરતી હોવાનું જણાઈ આવે છે. એથી એક સામાન્ય નાગરિક તરીકે એ કાયદો તેમના માટે પણ સરખો જ છે એની મેં તેમને યાદ અપાવી હતી.’


