દારૂ પીને ગાડી ચલાવતા યંગસ્ટરે ચાર જણના જીવ લીધા
અકસ્માતમાં જીવ ગુમાવનારાં અમોઘ દેસરકર, તેની મમ્મી મૃણાલી અને નાની આશાલતા.
શુક્રવારે રાત્રે છત્રપતિ સંભાજીનગરમાં દારૂના નશામાં કાર ચલાવીને પુણે તરફ આવી રહેલા પરિવારની કારને ટક્કર મારવાની ઘટના બની હતી. એમાં છ મહિનાના બાળક સહિત તેની મમ્મી, નાની અને માસીની પુત્રીનાં મૃત્યુ થયાં હતાં; જ્યારે કાર ચલાવી રહેલા બાળકના પિતા અને બાળકની માસી ગંભીર રીતે ઘાયલ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. દસ વર્ષ પછી પુત્રનો જન્મ થયા બાદ પરિવાર અમરાવતીમાં પુત્રના નામકરણની વિધિ કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે બાળક કાળનો કોળિયો બની ગયું હતું.
છત્રપતિ સંભાજીનગર પોલીસના જણાવ્યા મુજબ મૂળ અમરાવતીના પણ પુણેમાં સ્થાયી થયેલા એન્જિનિયર અજય દેસરકર પત્ની મૃણાલી, દોઢ મહિનાના પુત્ર અમોઘ, સાસુ આશાલતા પોપળઘટ, સાળી શુભાંગિની અને સાળીની પુત્રી દુર્ગા સાથે શુક્રવારે મોડી સાંજે કારમાં પુણે તરફ આવી રહ્યા હતા ત્યારે અહમદનગર હાઇવે પર રોડની બીજી બાજુએથી પૂરપાટ વેગે જઈ રહેલી સ્કૉર્પિયો ડિવાઇડર સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ હતી અને અજય દેસરકરની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા અજય દેસરકર અને તેમની સાળી શુભાંગિનીને ગંભીર ઈજા પહોંચી હતી; જ્યારે તેમનાં પત્ની, પુત્ર, સાસુ અને સાળીની પુત્રીનાં કરુણ મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
સ્કૉર્પિયો ચલાવનારા બાવીસ વર્ષના વિશાલ ઉર્ફે ઉદ્ધવ ચવાણ અને તેની સાથેના યુવક ૧૯ વર્ષના કૃષ્ણા કેરેને પણ ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે વિશાલ ચવાણ દારૂના નશામાં હતો અને તે વધુ પડતી ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે નિયંત્રણ નહોતો રાખી શક્યો એટલે જીપ રોડના ડિવાઇડર સાથે અથડાઈને બીજી તરફના રસ્તામાં પડી હતી. બેફામ કાર ચલાવીને ચાર લોકોના જીવ ગયા હોવાથી વાળુંજ MIDC પોલીસે બન્ને આરોપીઓ પર સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.