ઉલ્હાસનગરની શૉકિંગ ઘટના, પોલીસે ગુનો નોંધ્યો
ટીચરે એક પછી એક ૩ લાફા મારતાં માસૂમ છોકરો ડરીને જોર-જોરથી રડવા માંડ્યો હતો.
ઉલ્હાસનગરના કુર્લા કૅમ્પમાં બનેલી ઘટનાથી લોકો ચોંકી ઊઠ્યા છે. સ્થાનિક પ્લેગ્રુપમાં ભણી રહેલા અઢી વર્ષના માસૂમ બાળકે કવિતા ગાતી વખતે તાળીઓ ન પાડતાં ચિડાયેલી શિિક્ષકાએ બાળકને ૩ લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં બાળકનાં માતા-પિતાએ વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી.
મળતી માહિતી મુજબ પ્લેગ્રુપમાં ટીચર ગાયત્રી પાત્રા બાળકોને કવિતા ગવડાવી રહી હતી. તેણે બાળકોને કવિતા ગાતી વખતે તાળીઓ પાડવા કહ્યું હતું. જોકે અઢી વર્ષના એક બાળકે કવિતા ગાતી વખતે તાળીઓ ન પાડતાં ટીચર ભડકી હતી અને તેણે તે બાળકને ૩ લાફા માર્યા હતા. અચાનક ટીચરે મારતાં તે છોકરો ડરી ગયો હતો અને ગભરાઈને જોર-જોરથી રડવા માંડ્યો હતો. આ ઘટના પ્લેગ્રુપના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
એ પછી કોઈએ એ વિડિયો વાઇરલ કરી દીધો હતો જે બાળકનાં માતા-પિતા સુધી પહોંચ્યો હતો. એ વિડિયો જોઈને ચોંકી ઊઠેલાં માતા-પિતા વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં અને પોલીસને એ વિડિયો પુરાવા તરીકે દેખાડીને શિિક્ષકા સામે ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈને વિઠ્ઠલવાડી પોલીસે ટીચર ગાયત્રી પાત્રા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક કોળીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તે શિિક્ષકાને નોટિસ આપવાની પ્રોસેસ શરૂ કરી છે. જોકે ગઈ કાલે રવિવારને કારણે જાહેર રજા હોવાથી તેમની ઑફિસ બંધ હતી.’


