અકસ્માતો રોકવા થાણે RTOએ ટેક્નૉલૉજી-આધારિત ઍપ્લિકેશન તૈયાર કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ થાણે જિલ્લામાં અકસ્માતની સંખ્યા ઓછી કરવા ટેક્નૉલૉજી-આધારિત બ્લૅક સ્પૉટ નામની ઍપ્લિકેશન મંગળવારે શરૂ કરી હતી. આ ઍપ્લિકેશનમાં હેલ્પલાઇન નંબરોને એકીકૃત કરીને યુઝર-ફ્રેન્ડ્લી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. RTOએ તૈયાર કરેલી મોબાઇલ ફોન ઍપ્લિકેશન રસ્તા પર અકસ્માત-સંભવિત બ્લૅક સ્પૉટ વિશે ડ્રાઇવરો અને મુસાફરોને અગાઉથી ચેતવણી આપે છે. ઉપરાંત આ ઍપ્લિકેશન ઇમર્જન્સી હેલ્પલાઇન્સને પણ એકીકૃત કરે છે જેનાથી મહિલાઓને સમર્પિત મહિલા હેલ્પલાઇન સાથે સીધી કનેક્ટ થવાની મંજૂરી મળે છે. એની સાથે ઍમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર-બ્રિગેડની સેવાઓનો ઍક્સેસ પણ એપ્લિકેશનમાં આપવામાં આવ્યો છે.
થાણે RTOનાં ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર હેમાંગિની પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે પોલીસ, ટ્રાફિક અને RTO દ્વારા થાણે જિલ્લામાં એવાં ૮૦થી વધારે બ્લૅક સ્પૉટની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ૧૦ કરતાં વધારે અકસ્માતોની સંખ્યાની નોંધાઈ છે. દર વર્ષે થાણેના બ્લૅક સ્પૉટ વિસ્તારમાં વધતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે RTO દ્વારા ટેક્નૉલૉજી-આધારિત બ્લૅક સ્પૉટ નામની ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે મંગળવારથી કાર્યરત કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરવાથી જ્યારે તમારું વાહન થાણેના બ્લૅક સ્પૉટ નજીક આવશે ત્યારે તમારા મોબાઇલમાં આગળ અકસ્માત-સ્થળ હોવાનું નોટિફિકેશન આપવામાં આવશે જેનાથી વાહનચાલક પોતાનું વાહન સ્લો કરી દેશે અને અકસ્માત અટકાવી શકાશે.’


