થાણેના લોકોએ આ વખતે વરસાદમાં હેરાન થવું નહીં પડે : એમએનએસનો લેટર મળ્યા બાદ સફાળી જાગેલી થાણે સુધરાઈએ નાળાંની સફાઈનું કામ હાથ ધર્યું

ફાઇલ તસવીર
મુંબઈનાં વેસ્ટર્ન પરાંને થાણે સાથે જોડતો ઘોડબંદર રોડ બહુ જ મહત્ત્વનો છે. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી મૉન્સૂનમાં ગાયમુખ, નાગલા બંદર પાસે ધોધમાર વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને કલાકો સુધી રોડ બંધ થઈ જવાથી વાહનવ્યવહાર અટકી પડે છે. મૂળમાં નાગલા બંદર પાસે થાણેનાં મુખ્ય નાળાં મળે છે. એ કુદરતી નાળામાં અતિક્રમણ કરીને ગેરકાયદે કાટમાળ નાખવાથી એ ભરાઈ જાય છે અને એમાંથી પૂરતા પ્રમાણમાં પાણી વહી શકતું નથી. એ પાણી ઓવરફ્લો થતાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. આ માટે એમએનએસ દ્વારા પત્ર લખીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)ને જાણ કરાઈ હતી. એની સાથે જ પીડબ્લ્યુડીએ પોલીસને સાથે રાખી સર્વે કર્યો ત્યારે ઉપરોક્ત બાબત સાચી હોવાનું જાણાઈ આવતાં એનો અહેવાલ પીડબ્લ્યુડી ખાતાએ ટીએમસીને સોંપ્યો છે. એમએનએસનો પત્ર મળ્યા બાદ હવે ટીએમસી સફાળી જાગી છે અને નાળાં સાફ કરવાનું અભિયાન હાથ ધરવાની છે. મૉન્સૂન પહેલાં જ એ કામ આટોપી લેવા યુદ્ધના ધોરણે કામ હાથ ધરાવાનું છે.
એમએનએસના થાણેના જનહિત વિભાગ અને કાયદા વિભાગના અધ્યક્ષ સ્વપ્નિલ મહિન્દ્રકરે આ બાબતે ટીએમસીને પત્ર લખીને અને સાથે જ જગ્યાના ફોટો પણ શૅર કરીને વહેલી તકે કાર્યવાહી કરવાની માગ કરી હતી. સ્વપ્નિલ મહિન્દ્રકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડ બહુ જ મહત્ત્વનો છે. નાગલા બંદર પાસે ખૂલતાં નાળાંઓમાં ગેરકાયદે કાટમાળ ઠાલવીને ત્યાં અતિક્રમણ કરાય છે. એમાંથી પાણી સરળતાથી વહી શકતું નથી એટલે મૉન્સૂનમાં એ પાણી ઓવરફ્લો થાય છે અને રોડ બ્લૉક થઇ જાય છે. એથી એ નાળાંની વહેલી તકે સફાઈ કરવામાં આવે એ માટે ટીએમસીને પત્ર લખીને અમે રજૂઆત કરી છે.’