આરોપી મહિલા તેની સાથે બે યુવતીને પણ લાવી હોવાની ખાતરી થતાં અમે છાપો મારીને દલાલ મહિલાની ધરપકડ કરી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC)એ શુક્રવારે સાંજે વાગળે એસ્ટેટમાં હિન્દુસ્તાન ફૅમિલી રેસ્ટોરાંમાં છટકું ગોઠવીને હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવતી એક મહિલાની ધરપકડ કરી હતી. નાની ઉંમરની યુવતીઓ સપ્લાય કરવાના નામે આરોપી મહિલા ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા લેતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવમાં બે યુવતીઓને છોડાવીને તેમને સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી અને દલાલ મહિલા સહિત બે લોકો સામે વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી મહિલા કેટલા વખતથી આ રૅકેટ ચલાવતી હતી એની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
થાણે AHTCનાં સિનિયર ઇન્સ્પેક્ટર વૈશાલી ગોરડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી અમને માહિતી મળી હતી કે નવી મુંબઈમાં રહેતી એક મહિલા ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા લઈને થાણે વિસ્તારમાં હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવી રહી છે. આરોપી મહિલા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગ્રાહક શોધતી હોવાનું માલૂમ પડ્યું હતું. એના આધારે અમે તે મહિલાને પકડવા માટે છટકું ગોઠવીને તેને વાગળે એસ્ટેટની હિન્દુસ્તાન રેસ્ટોરાંમાં બોલાવી હતી. ત્યાં આરોપી મહિલા તેની સાથે બે યુવતીને પણ લાવી હોવાની ખાતરી થતાં અમે છાપો મારીને દલાલ મહિલાની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું હતું કે દલાલ મહિલા વિવિધ રાજ્યોમાંથી જરૂરિયાદમંદ યુવતીઓને થાણે, મુંબઈ બોલાવીને તેમની પાસે આવાં કામ કરાવતી હતી.’


