મોદી માટે જાનકરને સંસદસભ્ય બનાવીને તમે દિલ્હી મોકલશોને? ગઈ ચૂંટણીમાં મહારાષ્ટ્રએ મોદીસાહેબને ૪૧ સંસદસભ્ય આપ્યા હતા
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પરભણીમાં બપોર બાદ જનતાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી રિઝર્વ બૅન્કના એક કાર્યક્રમ માટે સવારે મુંબઈ આવ્યા હતા. હું તેમને મળ્યો ત્યારે તેમણે ચૂંટણીની તૈયારીની માહિતી પૂછી હતી. મેં તેમને કહ્યું હતું કે તમે અહીંથી દિલ્હી જશો એ પછી અમે મહાદેવ જાનકરનું ઉમેદવારી ફૉર્મ ભરવા પરભણી જવાના છીએ. આ સાંભળીને વડા પ્રધાને કહ્યું કે જાનકરને કહો કે હું તેમની અઢારમી લોકસભામાં રાહ જોઈ રહ્યો છું. પરભણીના લોકોને કહો કે જાનકરને દિલ્હી મોકલવાની હવે તમારી જવાબદારી છે. વડા પ્રધાનનો સંદેશ હું તમારા સુધી લાવ્યો છું. મોદી માટે જાનકરને સંસદસભ્ય બનાવીને તમે દિલ્હી મોકલશોને? ગઈ ચૂંટણીમાં મહારાષ્ટ્રએ મોદીસાહેબને ૪૧ સંસદસભ્ય આપ્યા હતા. આ વખતે એનાથી પણ વધુ ચૂંટાઈને આવશે એનો વિશ્વાસ છે.’
મહાયુતિમાં પરભણી લોકસભાની બેઠક નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથને ફાળવવામાં આવ્યા બાદ તેમણે રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP)ના નેતા અને ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન મહાદેવ જાનકરને ઉમેદવારી આપી છે. તેમણે ગઈ કાલે ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. અહીં બીજા તબક્કામાં એટલે કે ૨૬ એપ્રિલે મતદાન થશે.

